ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ થયાના 8 દિવસ બાદ પણ પૂર્ણ ક્ષમતાથી શરૂ નથી થઈ શકી, 900 બેડની સામે 560 જેટલા બેડ કાર્યરત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-03 13:37:34
  • Views : 219
  • Modified Date : 2021-05-03 13:37:34

     ગુજરાત સહિત દેશભરમાં બીજી લહેરમાં કોરોનાનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. તેમાં પણ અમદાવાદ શહેરની વાત કરીએ તો મોટાભાગની સરકારી હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. બેડના અભાવે દર્દીઓ હોમ આઈસોલેટ થઈને ઘરમાં સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ સરકાર પણ બેડની વધુ વ્યવસ્થા કરવામાં લાગી છે. હાલમાં જ GMDC ખાતે ગુજરાત સરકાર અને DRDOના સહયોગથી 900 બેડની ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ હતી. જોકે હોસ્પિટલ કાર્યરત કરાયાના 8 દિવસ થવા છતાં તે પોતાની 900 બેડની ક્ષમતા મુજબ કાર્યરત થઈ શકી નથી. ગઈકાલે સાંજની સ્થિતિએ હોસ્પિટલમાં માત્ર 560 બેડ જ કાર્યરત થઈ શક્યા હતા. એવામાં દર્દીઓ તથા તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે હોસ્પિટલમાં 43 દર્દીઓને રજા અપાઈ હતી, જ્યારે 65 દર્દીઓને દાખલ કરાયા હતા.

     હાલની સ્થિતિએ રાજ્યની મોટાભાગની હોસ્પિટલમાં બેડની અછત છે. અમુક હોસ્પિટલોમાં એકલ-દોકલ બેડ જ ખાલી રહ્યા છે. એવામાં DRDO તથા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ધન્વંતરિ હોસ્પિટલ પણ 8 દિવસથી કાર્યરત થઈ હોવા છતાં પૂર્ણ ક્ષમતા મુજબ 900 બેડ શરૂ કરી શકી નથી. તબીબો તથા પેરામેડિકલ સ્ટાફની પણ હોસ્પિટલમાં અછત વર્તાઈ રહી છે. જ્યારે હજુ પણ અંદાજે 340 જેટલા બેડનું કામ બાકી રહેવા પામ્યું છે. એવામાં ઝડપથી દર્દીઓની દાખલ કરવાની પ્રક્રિયા અટકી જેવા પામી છે.

     આ ઉપરાંત દર્દીના સ્વજનમાં રહેતી ઉચાટની લાગણી દુર થાય અને તેમને દર્દીના સ્વાસ્થ્ય અંગે સાંત્વના મળે તે હેતુથી આજથી "કોવિડ-સાથી"ની મદદથી દર્દી અને તેમના સ્વજનની વચ્ચે વીડિયો કોલ દ્વારા વાતચીત કરાવવાની સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની આરોગ્યની સ્થિતિના આધારે પ્રવેશ માટેની પ્રાથમિકતા નક્કી કરવામાં આવે છે. કોવિડ પોઝિટીવ રિપોર્ટ ધરાવતા અને 92થી ઓછું ઓક્સિજન લેવલ ધરાવતા દર્દીઓને જ પ્રવેશ અપાય છે. નોંધપાત્ર બાબત એ છે કે ધન્વંતરિ હોસ્પિટલમાં દર્દીને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે પ્રવેશથી માંડીને રજા આપવા સુધીના પ્રોટોકોલ નિર્ધારીત કરાયા છે, જેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News