ફી માફીમાં છુપાવાયેલી હકીકત, આ વર્ષે ફી 25% ઘટશે, આવતા વર્ષે 35% વધશે, આ રીતે સમજો 35% ફી વધારાનું ગણિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:26:35
  • Views : 305
  • Modified Date : 2020-10-01 11:26:35

   ગુજરાત સરકારે બુધવારે CBSE, IB, ICSE, CSE સહિતની રાજ્યની તમામ ખાનગી શાળાઓને ફીમાં 25%નો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે વાર્ષિક ફીમાં 25 ટકાનો ઘટાડો કરવા શાળા-સંચાલકો સંમત થયા છે. જોકે 25 ટકા ફી માફીની જાહેરાત આ વર્ષ માટે ક્ષણિક આનંદ આપી શકે છે, પરંતુ આવતા વર્ષે વાલીઓએ 35 ટકા વધારે ફી ભરવાની તૈયારી રાખવી પડશે, કારણ કે સ્કૂલો આ વર્ષે ફી માફીને આવનારા વર્ષે સ્કૂલની વાર્ષિક ખોટ બતાવીને એફઆરસીમાંથી વધુ ફી પાસ કરાવશે, જેથી એકંદરે આવતા શૈક્ષણિક વર્ષે વાલીઓએ 35 ટકા વધુ ફી વધારાની તૈયારી રાખવી પડશે. જે વાલીઓએ સ્કૂલમાં ફી જમા કરાવી દીધી છે તેવા વાલીઓને ફી મજરે આપવાની રહેશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે સ્કૂલો ટ્રાન્સપોર્ટ, લાઇબ્રેરી, કમ્પ્યુટર તથા સ્પૉર્ટસ એક્ટિવિટી માટેની ફી લઈ શકશે નહીં. શિક્ષણમંત્રીએ વાલીઓને 31 ઓક્ટોબર સુધી ફી ભરવાનો અનુરોધ કર્યો છે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે ખાનગી શાળાઓ ફી રાહતની સામે શિક્ષકોને પગાર આપવો નહીં તેવા નિર્ણય લઇ શકશે નહીં. ઉપરાંત શિક્ષકોને પગાર વેતન નહીં આપવાની પદ્ધતિ પણ અપનાવી શકશે નહીં.

સ્કૂલ-સંચાલકોએ શિક્ષણમંત્રી સાથેની મીટિંગમાં રજૂઆતો કરી હતી, જેમાં મુખ્ય રજૂઆત હતી કે શૈક્ષણિક વર્ષ 2020-21માં નિયમ પ્રમાણે જે 8 ટકા જેટલો ફીવધારો થાય છે એ ફી વધારો વર્ષ 2021-22ના વર્ષમાં માન્ય રાખવામાં આવે, સાથે જ 25 ટકા ફી માફીને સ્કૂલની ખોટ માનીને તેને શૈક્ષણિક વર્ષ – 2021-22ની ફી નક્કી કરતા સમયે ધ્યાને લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત હાઇકોર્ટે ફીમુદ્દે દરમિયાનગીરીનો ઈનકાર કરતાં આ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડ્યો હતો.  

સરકાર અને સ્કૂલ-સંચાલકો વચ્ચે વિરોધાભાસ
શિક્ષણમંત્રી : 31 ઓક્ટોબર સુધી ફી ભરે તો જ લાભ મળશે એવું નથી

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ફી માફીની ખોટ આવતા વર્ષની ખોટ દર્શાવવા સ્કૂલોએ મંજૂરી માગી હતી, પણ મેં કહ્યું હતું કે FRC આ નિર્ણય કરશે. 31 ઓક્ટોબર ફી ભરે તો જ ફી માફીનો લાભ મળશે એવું અમારા તરફથી કોઈ જાહેર કરાયું નથી.

સ્કૂલ-સંચાલકો : 31 ઓક્ટોબર પહેલાં ફી ભરનારાને જ લાભ મળશે
સ્વનિર્ભર શાળા સંચાલકમંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુએ કહ્યું હતું કે અમે સરકાર સાથે એ જ શરતે સંમત થયા છીએ કે જે વાલીઓ 31 ઓક્ટોબર પહેલાં ફી ભરશે તેમને જ ફી માફીનો લાભ મળશે. અમે GRની રાહ જોઇ રહ્યા છીએ. ત્યાર બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

આવતા વર્ષે ફી વધારો થઈ શકે છે
એસોસિયેશન ઑફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સના પ્રમુખ મનન ચોક્સીએ જણાવ્યું હતું કે સ્કૂલોએ વાર્ષિક ઇન્ક્રિમેન્ટના 5% જતા કર્યા, હવે 25% ફી માફીની વાત છે. આથી સ્કૂલોને 30 % ખોટ જશે. ઉપરાંત વર્ષ 2020-21 માટે ફીમાં 5 % ઇન્ક્રિમેન્ટ તો સરકારના નિયમ પ્રમાણે રહેશે. આવતા વર્ષે 35 % ફીવધારો થઇ શકે છે.

સ્કૂલોના ખર્ચ પ્રમાણે ફી નક્કી થશે
એફઆરસીનાં વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સ્કૂલો પોતાનો વાર્ષિક ખર્ચ એફઆરસીમાં રજૂ કરે છે. જો સ્કૂલોની આવક કરતાં ખર્ચ વધુ હશે તો તેમની ફીમાં વધારો થશે. સ્કૂલોના ખર્ચાઓના આધારે જ ફી નક્કી કરશે.

સરકાર એક સત્રની ફી માફ કરે: કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવકત્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલાં શિક્ષણમાં એક વિષય તરીકે ઉદ્યોગને ભણાવાતો હતો, પણ હવે ભાજપ સરકારમાં શિક્ષણ જ ઉદ્યોગ થઈ ગયો છે. કોરોના મહામારીમાં તમામ ધંધા-ઉદ્યોગ ઠપ થઈ ગયા છે, ત્યારે એક સત્ર ફી માફી આપવી જોઈએ.

બાકીની 25 ટકા ફી માટે સરકાર મદદ કરે
ઑલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું, સરકાર પાસે શિક્ષણ માટે ફાળવેલા 1500 કરોડ રૂપિયા વપરાયા વગરના પડ્યા છે. અમારી આજે પણ 50 ટકા ફીની જ માગ છે. હવે સ્કૂલો 25 ટકા ફી માફી આપશે, બાકીની 25 ટકા ફીનું રાહત પેકેજ સરકાર જાહેર કરે.

Download Our B K News Today App



Related News