ગાયકવાડ સ્ટેટે શરૂ કરેલી બાપુની ગાડી તરીકે ઓળખાતી હેરિટેજ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ભૂતકાળ બની ગઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 11:14:48
  • Views : 306
  • Modified Date : 2020-12-11 11:14:48

    દક્ષિણ ગુજરાતમાં બાપુની ગાડી તરીકે ઓળખાતી હેરિટેજ દરજ્જો ધરાવતી બીલીમોરા-વઘઈ વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેન કેન્દ્ર સરકારના રેલ મંત્રાલયે આ ટ્રેન આર્થિક રીતે પરવડતી ન હોવાનું કારણ આગળ ધરી કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન સહિત ગુજરાતની આવી 11 અલગ-અલગ નેરોગેજ ટ્રેનો બંધ કરવામાં આવી છે ત્યારે હવે આ ટ્રેનમાં ફરવાનો આહલાદક સફર હવે ભુતકાળ બની જશે.છેલ્લા કેટલાય સમયથી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન સરકાર દ્વારા બંધ કરવામાં આવનાર હોવાની અટકળો ચાલી રહી હતી. આખરે તે અટકળનો અંત લાવી કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે આ ઐતિહાસિક એવી બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન સેવા સહિત ગુજરાતની 11 નેરોગેજ ટ્રેન લાઈન બંધ કરવાનો આદેશ કર્યો છે.

    આ અંગેનો એક પત્ર ગુરૂવારે ચર્ચગેટ મુંબઇમાં આવેલી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પાઠવવામાં આવ્યો છે. જેમાં આ નેરોગેજ ટ્રેનને નિભાવવાનો ખર્ચ હવે સરકારને પરવડતો ન હોવાનું કારણ આગળ ધરી આ બાપુની ગાડી તરીકે જગવિખ્યાત એવી આ બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન સહિત 11 નેરોગેજ લાઈનો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે.

અગાઉ સરકાર દ્વારા આ નેરોગેજ ટ્રેનો મોટી ખોટ કરી રહી હોય તે બાબતનો સરવે પણ કરવામાં આવ્યો હતો. આ ટ્રેન ડુંગરાળ પ્રદેશના અંતરિયાળ વિસ્તારને શહેરી વિસ્તાર સાથે જોડતી હોય અને ઐતિહાસિક ધરોહર હોય તે ચાલુ રાખવામાં આવી હતી પરંતુ હાલ કોરોનાને પગલે છેલ્લા 8 માસથી આ ટ્રેન સદંતર બંધ છે. આ ટ્રેનને કાયમ માટે બંધ કરી દેવાનો સરકારે આખરે નિર્ણય લઈ લીધો છે અને ગુજરાતની કુલ 11 આવી નેરોગેજ લાઈન પર દોડતી ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના રેલ મંત્રાલય દ્વારા કુલ 11 બ્રાન્ચ લાઇ / નેરોગેજ ટ્રેનો બંધ કરી દીધી છે. જેમાં બીલીમોરા-વઘઈ, નડિયાદ-ભાદરણ, અંકલેશ્વર-રાજપીપળા, બરિયાવી-વડતાલ-સ્વામિનારાયણ, કોસંબા-ઉમરપાડા, સમલાયા-ટીમ્બા રોડ, ઝઘડીયા-નેત્રંગ, છુછાપુરા ટંખાલા, છોટાઉદેપુર-જંબુસર, ચોરંડા-મોટીકોરલ અને ચાંદોદ-માલસરની ટ્રેન બંધ કરી દેવામાં આવી છે.

    105 વર્ષ પૂર્વે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1915માં આ બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનની શરૂઆત કરી હતી. આ ટ્રેનમાં 6 ડબ્બા જોડી બીલીમોરાથી વઘઇ દિવસમાં બેવાર દોડાવવામાં આવતી હતી. પોતાની દૂરંદેશી વાપરી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે આ છુકછુક ગાડીની શરૂઆત આદિવાસી વિસ્તારની પ્રજા શહેરો સાથે જોડાઈ શહેરની રીતભાતથી પરિચિત થાય તેમની કળા કારીગરીની શહેરમાં સારી ઉપજ પ્રાપ્ત થાય તેવો શુદ્ધ ઉદ્દેશ્ય આ ટ્રેન શરૂ કરવા પાછળ હતો.

    આહવા-ડાંગના જંગલોમાં મળતું ઈમારતી સાગી લાકડું જેની વિદેશમાં ભારે માંગ હોવાથી તેનો વિકાસ તેમજ તેને ડાંગથી લાવવા લઈ જવા આ નેરોગેજ ટ્રેન દ્વારા આ લાકડું બીલીમોરા લાવવામાં આવતું હતું. જ્યાંથી બીલીમોરા બંદર પરથી દરિયાઈ માર્ગે વિદેશોમાં પહોંચાડવામાં આવતું હતું.

    આ ટ્રેનને વઘઇથી માનમાડ સુધી લંબાવવામાં આવવાની હોવાની વાત પણ ખૂબ ચાલી હતી. જે માટે સરવે પણ હાથ ધરાયો હતો પરંતુ હવે હવે આ વાત ઉપર પણ પૂર્ણવિરામ લાગી ગયું છે અને નેરોગેજ ટ્રેન ભૂતકાળ બની ગઇ છે. આ ટ્રેનને હેરિટેજ ટ્રેનનો દરજ્જો મળ્યો હતો, જેમાં સફર કરવાનો આનંદ આહલાદક બનતો હતો. બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન બીલીમોરાથી નીકળી ગણદેવી, ચીખલી, રાનકુવા, ધોળીકુવા, અનાવલ, ઉનાઈ, કેવડી રોડ, કાળાઆંબા, ડુંગરડા થઈ વઘઈ પહોંચી હતી. માત્ર 31 કિલોમીટરની ઝડપે દોડતી આ ટ્રેનને આ મુસાફરીમાં 3 કલાકનો સમય લાગતો હતો.

    બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન ગાયકવાડ સરકારે અંગ્રેજોના સમયમાં ચાલુ કરાવી હતી. જે વર્ષો પહેલા ડાંગમાંથી લાકડા લઇ જતી હતી અને હાલમાં પણ ડાંગના આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ છે. સુરત, વાપી કામધંધા માટે જવાવાળા આદિવાસીઓના ધંધા-રોજગાર માટે અત્યંત જરૂરી છે તેમજ ખેતપેદાશોના યોગ્ય વ્યાપાર અને ખેડૂતોને માટે પણ આશીર્વાદરૂપ છે. જો ટ્રેન બંધ કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા આદિવાસી વિસ્તારમાં અંગ્રેજોના જમાનાની ધરોહર બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેન ચાલુ કરાવવા સાંસદ કે.સી પટેલ તથા સી.આર.પાટીલને લેખિતમાં ટ્રેન પુનઃ ચાલુ કરવા માટે રજૂઆત કરીશુ. > રસિકભાઈ ટાંક, મહામંત્રી, વાંસદા તાલુકા બીજેપી મહામંત્રી

    આ ગાડીના ગેટમેન ગાડી સાથે જ સફર કરે અને રેલવે ક્રોસિંગ દરમિયાન પહેલા ટ્રેનમાંથી ઉતરી ફાટક બંધ કરી ટ્રેન ફાટક ઓળંગે ત્યારબાદ આ ગેટમેન ફાટક બંધ કરી ગાડીમાં બેસી જતો હતો. આ ટ્રેનની ટિકિટ પણ ગાડીમાંથી ટ્રેનના ગાર્ડ દ્વારા જ આપવામાં આવતી હતી. ઘણી જગ્યાએ ટ્રેનની ગતિ ધીમી થતા મુસાફરો પોતાના ગામડે જવાના અનુકૂળ જગ્યાએ ચાલુ ટ્રેનમાંથી પણ આ ગાડીમાંથી ઉતરી શકતા કે ગાડીમાં ચઢી જતા હતા. આમતો રોજિંદા અપડાઉન કરવાવાળાની સંખ્યા આ ટ્રેનમાં ખૂબ નહીવત પરંતુ ઉનાળુ વેકેશન દરમિયાન તેમજ ઉનાઈ યાત્રા દરમિયાન આ ટ્રેન ખીચોખીચ ભરેલી રહેતી અને લોકો ટ્રેનની ઉપર બેસીને પણ સફર કરીને જતા હતા.


Download Our B K News Today App



Related News