ગુજરાતમાં શહેરોના 'ગરબા'ને નહીં ગામડાની નાની 'ગરબી'ઓ ને મંજૂરી આપવા વિચારણા, સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય જાહેર કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-12 12:16:57
  • Views : 396
  • Modified Date : 2020-09-12 12:16:57

   ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં? તે અંગે અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ અવઢવ દૂર કરી કોઈ ચોક્કસ નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે, જેમાં શહેરોના પ્રોફેશનલ ગરબાને નહીં પરંતુ ગામડાની માતાજીની ગરબીઓને જ કેટલાક નિયમો સાથે છૂટછાટ આપે તેવી શક્યતા છે. ખાસ કરીને શહેરોમાં પણ સોસાયટી અને પોળોમાં પણ નવરાત્રિના ગરબા માટે નહીં પરંતુ માત્ર માતાજીની સ્થાપના માટેની છૂટ આપવામાં આવી શકે છે.ગુજરાત સરકારના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરોમાં તો ગરબાને મંજૂરી આપવી ઘણું જોખમી છે, જ્યારે ગામડામાં નાની ગરબીઓને કેટલીક શરતો ને આધીન મંજૂરી આપવામાં આવી શકે કે કેમ તે અંગે વિચારણા ચાલી રહી છે.વિશ્વના સૌથી મોટા ડાન્સ ફેસ્ટિવલ તરીકે ખ્યાતિ પામેલા ગુજરાતના સૌથી મોટા નવ દિવસના નવરાત્રી ઉત્સવ અંગે અનિશ્ચિતતા પ્રવર્તતી રહી છે, ત્યારે સરકાર પણ યોગ્ય સમયે વિચાર કરીને નિર્ણય લેવાની દિશામાં પ્રયાસ કરી રહી છે. જેમાં અનલોક-4ની ગાઈડલાઈન મુજબ 100 વ્યક્તિ સાથેના શેરી ગરબાને મંજૂરી આપી શકે છે, જેમાં પણ પોલીસની સાથે જે તે વિસ્તારના આરોગ્ય વિભાગની પણ મંજૂરી સાથે પરવાનગી આપી શકે.ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઘણા બધા તહેવારો ઉજવવા માટેની મંજૂરી આપવામાં આવતા ગુજરાતની જનતાએ પણ સ્વાસ્થ્ય અને સલામતી માટે આવા તહેવારોને ઉજવ્યા નથી, પરંતુ ઓક્ટોબર મહિનામાં આવી રહેલી નવરાત્રી ગુજરાતીઓ માટે એક મોટો તહેવાર ગણાય છે ત્યારે ગુજરાતની જનતા અને નવરાત્રિના આયોજકો પણ ગુજરાતમાં કોવિડ- 19ની ગાઇડ લાઇનને અનુસરીને ગરબા માટેની મંજૂરી આપવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.અગાઉ રાજ્ય સરકારે એવી વિચારણા કરી હતી કે, નવરાત્રી માટે ક્લબો કે પાર્ટી પ્લોટની જગ્યાએ માત્ર શેરી ગરબા અને સોસાયટી ગરબાને મંજૂરી આપવામાં આવે, તેમાં પણ અનલોક-4ની ગાઈડ લાઈન પ્રમાણે 100થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવે. આ ઉપરાંત સામાન્ય રીતે નવરાત્રી મહોત્સવમાં શેરી, સોસાયટી, પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબા કરવા માટે પોલીસની પરવાનગી જરૂરી છે ,પરંતુ કોરોનાની સ્થિતિમાં પોલીસની સાથે જે તે વિસ્તારના આરોગ્ય વિભાગની પણ મંજૂરી મળ્યા પછી જ પોલીસ ગરબાની મંજૂરી આપે એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી.આ ઉપરાંત નવરાત્રીના નવ દિવસના બદલે બે કે ત્રણ દિવસ માટે શેરી ગરબાને મંજૂરી આપવાની વિચારણા થઇ શકે છે. સાથે સાથે ગરબાનો સમય પણ નિશ્ચિત કરવામાં આવે, જેમકે રાત્રે 8થી 10 અથવા તો 10થી 12 બે કલાક જ ગરબાની મંજૂરી મળી શકે તેવું વિચારણામાં હતું. પરંતુ ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને શહેરોમાં ગરબાને મંજૂરી આપવી જોખમી હોવાથી આ દિશામાં પણ વિચારણા બંધ કરી દીધી હોવાનું જાણવા મળે છે..

Download Our B K News Today App



Related News