બનાસકાંઠાનુ હીર ચાર રાજ્યોમાં ઝળક્યુ : ગઢની યુવતીએ બાળકોને આત્મનિર્ભર બનાવવાનુ બીડુ ઝડપી જીલ્લાનુ નામ કર્યું રોશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-13 13:04:49
  • Views : 370
  • Modified Date : 2021-06-13 13:04:49

    પાલનપુરના ગઢની એક યુવતી ૪ રાજ્યોના પાંચ હજાર રખડતા બાળકોને પાયાનુ શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવી રાજ્ય સહિત ગામનુ નામ રોશન કર્યું છે..હાલમાં ગઢની આ યુવતી હૈદરાબાદમાં ફાયનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવવાની સાથે સેવા કાર્ય કરી રહી છે.

 

    એક જમાનામાં કર્ણ મહાન દાનવીર ગણાતા હતા. એમણે દાન કરીને ઘણા લોકોની મદદ કરી હતી. પણ આજના સમયમાં ફરી કર્ણ બની એક દિકરી ગરીબોના બાળકોને મદદ કરીને આત્મનિર્ભર બનાવી રહી છે. એમણે ૨૦૦૫ થી લઇને અત્યાર સુધીમાં ૫૦૦૦ થી પણ વધારે ગરીબ અને રખડતા બાળકોને પાયાનું શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે.

    બનાસકાંઠાના ગઢ ગામની દિકરી મનિષા ગોઠીએ ૭ માર્ચ ૨૦૦૫ના દિવસે આઇ. એ. એસ. બનવાનુ સપનુ પુરુ કરવા ઘર છોડ્યુ. ઘરેથી ખાલી હાથે જ નીકળેલી મનીષાએ મુંબઈમાં ધીરૂભાઇ અંબાણી નોલેજ સીટીમાં ઇન્ટરવ્યુ આપી ૧૧ હજારના પગારથી પ્રથમ નોકરીની શરૂઆત કરી. મુંબઈમાં રહેવા માટે પૈસાના અભાવે એક હોસ્ટેલમાં રહેવા લાગ્યા. એ પહેલા પ્રથમ પંદર સોળ દિવસ જમ્યા વગર વિતાવ્યા અને છેવટે વાસીમાં આવેલા મંદિરે પ્રસાદ મળતા ભોજન લીધું. મંદિરમાં ગરીબ અને અનાથ બાળકોને જોઈને એમને થયું કે હુ પણ આ લોકો જેવી જ છું આ બાળકોની જેમ મારૂ પણ આ દુનિયામાં કોઈ નથી. ત્યાં જમવાની કતારમાં બેઠેલા લોકોને જોઈને મનમાં વિચાર આવ્યો કે મને ૧૫ દિવસ જમવાનુ ના મળ્યું તો મારી આ હાલત છે તો પછી આ લોકો ને તો રોજ રોજ જમવા માટે ભટકવું પડે છે. આ લોકોનું જીવન તો અતિશય કપરૂ છે એવું જણાતા એમના બાળકો માટે કંઈક કરવાનો વિચાર આવ્યો અને એમને અને એમની એક મિત્રએ મળીને એક કામ શરૂ કર્યું.

    સૌપ્રથમ એમણે બાળકોનુ અવલોકન કર્યું કે એ બાળકો શું કરે છે, કોને મળે છે. ક્યાં રહે છે અને એમની દિનચર્યા શું છે?

 

    એ પછી એમણે મુંબઈ પોલીસની પરમિશન લઈ સિગ્નલ પર અને રેલવે સ્ટેશન પર રખડતાં બાળકોને સ્વચ્છ કરવાનુ અભિયાન છેડ્યુ. તેઓ ઓફિસથી નીકળ્યા પછી સાબુ અને રૂમાલ લઈને જાતે જ એ બાળકોને સ્વચ્છ કરતા અને સાથે સાથે એ બાળકોને શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યું. પોતાના ૨૪ કલાકમાંથી રોજના ૩ કલાક એ બાળકો સાથે વિતાવતા હતા..તેઓ બાળકો સાથે રમતા, હસતા અને વાતો કરતા. માતા- પિતાની જેમ બધા બાળકોની વાત અને ફરિયાદો પણ સાંભળતા હતા. બાળકોની કાળજી લેતા અને સમજાવતાં કે જમ્યા પહેલાં હાથ ધોવા, નખ કાપવા, દરરોજ નાહવાનું..

    પછી ધીમે ધીમે બાળકોને સમજાવી તેમને સરકારી શાળામાં મુકવાની વ્યવસ્થા કરી. એ વખતે એમનો ઉદ્દેશ માત્ર એક ટંકનું ભરપેટ ભોજન મધ્યાહન ભોજન મારફતે બાળકોને મળી રહે એ જ હતો. એમાંથી કેટલાક બાળકો પોતાનુ ઘર છોડીને આવ્યા હતા એમને સમજાવીને એમનાં ઘરે મોકલી દીધા. સ્થાનિક કોર્પોરેટરોને મળીને જે બાળકો પાસે રહેવાની જગ્યા ન હતી એમના રહેવા માટે ટેન્ટની વ્યવસ્થા કરાવી.

    ત્યારબાદ ચંદિગઢમાં ૬ વર્ષ, પટનામાં ૫ વર્ષ બાળકો માટે કામ કર્યુ અને છેલ્લા ૩ વર્ષથી તેઓ હૈદરાબાદમાં કાર્યરત છે.  ચંદીગઢમાં તેમણે ગુરુદ્વારામાં બાળકોના ભોજનની વ્યવસ્થા કરી. અમુક કોમ્યુનીટીહોલનો સહકાર લઈ બાળકોના રહેવાની વ્યવસ્થા ત્યાં કરાવી. આવી રીતે રખડતા બાળકોને સહારો આપ્યો. શરૂઆતમાં ઓછા બાળકો હતા એટલે તેમને આર્થિક રીતે પહોંચી વળતા હતા. પણ પછી બાળકોની સંખ્યા વધી એટલે એમણે એમના મિત્રોની મદદ લીધી. એમની એક મિત્ર ઓસ્ટ્રેલિયાથી અને એક મિત્ર દુબઇથી એમની આર્થિક મદદ કરે છે.

    ભગવદ ગીતામાં કહ્યુ છે કે પોતાની કમાણીનો દસમો ભાગ દાન કરવો જોઇએ પણ મનીષાબેને પોતાની અડધીથી વધારે કમાણી દાનમાં આપી અને પોતાનો કિંમતી સમય પણ આપ્યો. આ દશવંતથી ઘણા લોકોની મદદ મળી.

    તેઓ લગ્ન કરી માત્ર ગૃહિણી બની રહેવા માંગતા ન હતા. તેઓએ પોતાના સપના પુરા કરવાની પરિવાર સમક્ષ રજૂઆત પણ કરી પણ ગામડાના રિવાજો આગળ એમની રજૂઆત અવગણી દેવામાં આવી. એટલે કારણે એમને ઘર છોડ્યુ. જ્યારે ઘરેથી ગયા એટલે એવું વિચાર્યું હતુ કે થોડા સમય પછી પાછી આવીશ અને બધાને મનાવી લઇશ પણ જ્યારે ઘરે પાછા જવા ટ્રેનમાં બેઠા. તેઓ સુરત આવ્યા અને ત્યાં તેઓએ સમાચારપત્રમાં પોતાનો ફોટો “આ વ્યક્તિ ખોવાયેલ છે” એવા સમાચાર સાથે જોયો તો એમને થયું કે હવે જો ઘરે જઈશ તો બધા ખૂબ ગુસ્સો કરશે કેમ કે આનાથી ખૂબ બદનામી થઈ છે. અને હવે તો ઘરમાં પણ રહેવા દેશે નહી. તેઓ ત્યાંથી પાછા મહારાષ્ટ્ર ગયા અને પછી સમાજ કલ્યાણના કામમાં જોડાઈ ગયા. તેઓએ એ બધુ જ અનુભવ્યું જે સ્ટેશન પર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અનુભવે છે. છોકરીઓ સાથે થતી જાતીય સતામણી અને માત્ર એક જ ટંક ભોજન કરીને જીવતા લોકોને જોઈને એમનુ હૃદય કંપી ઉઠ્યું. ત્યારથી એમને એવા બાળકોને પોતાની સાથે રાખવા લાગ્યા જેમના કોઇ વાલી ન હતા અને એમના માટે પણ કામ કર્યુ જેમના મા બાપ પાસે બાળકોની સંભાળ રાખવા માટે પૈસા નથી. એમને ગરીબ બાળકો માટે એક દેવતા જેવું કામ કર્યું છે.

    કોરોનાના કપરાં સમયમાં પણ તેઓએ લોકોની મદદ કરી. ૬૦૦૦થી વધુ લોકોને રાશન પુરૂ પાડ્યુ. અમુક લોકો જે પોતાના ઘરે પાછા જવા માંગતા હતા એમને જવાની વ્યવસ્થા કરાવી. બીજા સ્થળોએ લોકડાઉનને કારણે ફસાઈ ગયેલા લોકોને મદદ કરી અમુક લોકો પાસે પૈસાની સગવડ હતી પણ વસ્તુ ખરીદી ન હતા શકતા એમને મદદ કરી. રોડ પર બેસેલા અને લોકડાઉનના સમયમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરી.   

    પટનાની એક દિકરી જે ઘર છોડીને આવેલી એને બચાવી અને ગ્રેજ્યુએટ બનાવી અને નોકરી અપાવી પગભર બનાવી. હાલમાં ૩૦૦ જેટલાં બાળકોને તેઓ જમવાની અને રહેવાની સગવડ આપે છે અને તેમને શિક્ષણ પુરુ પાડે છે.

    તેઓનુ એક સપનુ છે કે એક એવી શાળા બને જેમાં શિક્ષણ સાથે આવા બાળકોને જમવાની અને રહેવાની સગવડ મળી રહે. આવી શાળા દરેક રાજ્યોમાં હોય એવી ઇચ્છા રાખે છે. એમના બીજા ત્રણ મિત્રો સાથે મળીને ૫૦૦૦ થી વધારે બાળકોને પગભર બનાવ્યા છે.

    પરિસ્થિતિને કારણે પોતાનું આઈ.એ.એસ. બનવાનુ સપનુ તો પુરૂ કરી ના શક્યા પણ ઘણા બાળકોના સપના પૂરા કરવામાં મદદરૂપ થયા. હાલમાં હૈદરાબાદ ખાતે એક એનજીઓમાં ફાયનાન્સ મેનેજર તરીકે નોકરી કરે છે.  ખૂબ લોકોના આશિર્વાદ મેળવ્યા. તેઓ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે. અમારી સાથે વાતચીત દરમિયાન એમને એક સરસ વાત કહી કે, “જો આપણે વધારે કંઇ ના કરીએ તો કંઇ નહિ બસ આપણા પડોશી કોઇ ભૂખ્યા સુઈ ના જાય એનું ધ્યાન રાખો તો ગરીબ લોકોને ભીખ માંગવાની કે ભૂખ્યા સુઈ જવાની જરૂર નહી પડે.”

    ગરીબ અને રખડતા બાળકોને આત્મનિર્ભર બનાવવા એમનું આ સપનુ પુરૂ થાય અને લોકો એમની જેમ બાળકો અને ગરીબ પરિવારને મદદરૂપ થાય એવી પ્રાર્થના છે.

Download Our B K News Today App



Related News