એક રત્નકલાકારની દીકરીએ અથાગ પરિશ્રમથી જિલ્લા યુવા વિકાસ અધિકારી બનીને બતાવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:36:12
  • Views : 757
  • Modified Date : 2021-03-08 10:36:12

    દર વર્ષે 8મી માર્ચે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશું આવી જ એક દૃઢનિશ્ચયી 30 વર્ષીય જિલ્લા યુવા અધિકારી રાધિકાબેન હરેશભાઈ લાઠીયાની, જેઓ સખત મહેનત અને સંઘર્ષ કરી ઉચ્ચ અધિકારી બન્યા છે અને સુરત જિલ્લા રમત-ગમત કચેરી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકે પોતાના સ્વપ્નના ક્ષેત્રમાં આગળ વધી સરકારી ફરજ બજાવી રહ્યા છે. રાધિકાબેન યુવાવર્ગ માટે મિસાલ બન્યાં છે. નબળી આર્થિક પરિસ્થિતિ અને સામાન્ય પરિવારમાંથી આવતાં આ મહિલા અધિકારીએ સંઘર્ષ છોડ્યો નહિ અને સતત પરિશ્રમથી ઝળહળતી સફળતા મેળવીને જાહેર સેવામાં યોગદાન આપી રહ્યાં છે.

    કોલેજ અભ્યાસ દરમિયાન જ તેમણે કોઈ પણ કોચિંગ ક્લાસ વિના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી. તેમના ક્ષેત્રમાં તેઓ સતત કાર્યશીલ રહ્યા અને ગુજરાત સરકારના રમતગમત વિભાગમાં 5 વર્ષ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ ઓફિસર (વર્ગ-3) તરીકે જોડાયા હતા. આ સરકારી નોકરી દરમિયાન તેઓ જીપીએસસીની તૈયારી કરતા રહ્યા, જેમાં તેમણે તા.8 માર્ચ, 2019માં ઉત્તીર્ણ થઈ સફળતા મેળવી હતી. હાલ તેઓ છેલ્લાં 2 વર્ષથી સુરતના નાનપુરા બહુમાળી ભવન સ્થિત રમતગમત કચેરી ખાતે જિલ્લા યુવા અધિકારી (વર્ગ-2) તરીકે કાર્યરત છે.

    મૂળ બોટાદના વતની રાધિકાબેન જિલ્લા યુવા વિકાસ અધિકારી તરીકેની સંઘર્ષમય સફર ખેડી સફળતા મેળવનાર જણાવે છે કે, ‘મને વર્ગ-2ના અધિકારી બનાવવા પાછળ નિવૃત્ત રત્નકલાકાર પિતા હરેશભાઈએ બાળપણથી જ પ્રેરણા પૂરી પાડી હતી. પિતાએ મને અને મારા ભાઈઓને સ્વનિર્ભર બનવાના સંસ્કારોનું સિંચન કરી ઉચ્ચ અભ્યાસ કરવાં માટે સતત પીઠબળ આપ્યું હતું. પિતાની સાથોસાથ મારી માતાએ પણ અમારા સ્વપ્નને પંખ આપવા તેમજ ઘરને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સિલાઈ કામ કરીને ભણાવ્યા હતાં, માતા હાલ ગૃહિણી છે. મારી સફળતામાં માતાપિતાનું મોટુ યોગદાન છે. મારા સિવાય પરિવારમાં અન્ય કોઈ સરકારી અધિકારી ન હોવાનું તેઓ જણાવે છે.

    ‘શિક્ષણ વગર આપણું જીવન પ્રજ્ઞાચક્ષુ સમાન છે. શિક્ષણ અને જ્ઞાન હશે તો આપણી ભાવિ પેઢીને ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપી શકીશું’ તેમ મહિલા દિવસ નિમિતે શિક્ષણનું મહત્વ જણાવતા સુરત જિલ્લા યુવાવિકાસ અધિકારી કહે છે. તેઓ જણાવે છે કે, કોઈ પણ લક્ષ્યને સિદ્ધ કરવા તમારી જાતને તૈયાર કરો. મજબૂત ઈરાદા, પ્રમાણિકતાથી કરેલો પુરૂષાર્થ અને અંતરમનથી કરેલી પ્રાર્થના જીવનની કોઈ પણ પ્રકારની મુશ્કેલ લાગતી સમસ્યાનું નિવારણ કરે છે.

Download Our B K News Today App



Related News