અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટેનું 31 હજારની કિંમતનું ઈન્જેક્શન 55 હજારમાં વેચતો તકસાધુ ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 14:13:43
  • Views : 327
  • Modified Date : 2021-04-17 14:13:43

    રાજ્યમાં હાલની સ્થિતિએ કોરોના સંક્રમિત દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત ઉભી થઈ છે. ઈન્જેક્શન મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહ્યાં છે. એક બાજુ સરકાર સ્ટોક હોવાની વાતો કરે છે બીજી બાજુ લોકોને ઈન્જેક્શન મેળવવા માટે મોટી હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં જેમ કોરોનાના કેસો વધી રહ્યાં છે તેવી જ રીતે કાળા બજાર કરનારા તકસાધુઓ પણ રોકેટ ગતીએ વધી રહ્યાં છે. શહેરમાં કોરોનાના દર્દીને આપવાનું 31 હજાર રૂપિયાની કિંમતનું ઈન્જેક્શને 55 હજાર રૂપિયામાં વેચતા શખ્સને શાહિબાગ પોલીસે ઝડપી લીધો છે.

    પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરમાં શાહિબાગ સિવિલ હોસ્પિટલ પાસે હાર્દિક નરેશભાઈ ઠાકોર નામનો વ્યક્તિ પારસ ફાર્મસી નામની દુકાન ચલાવે છે. પોલીસને બાતમી મળી હતી કે આ દુકાનમાં કોરોનાની દવા માટે ઉપયોગમાં આવતા ટોસિલિઝુમેબ જેવા જ ઈટોસિલિઝુમેબ ઈન્જેક્શન રાખીને મોટી કિંમતે વેચાઈ રહ્યાં છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને હાર્દિક ઠાકોરને 31 હજાર 800ની કિંમતનું આ ઈન્જેક્શન 55 હજારમાં વેચવા જતાં પકડી લીધો હતો. આ ઈન્જેક્શન તે કોઈપણ પ્રકારની મંજુરી વગર વેચતો હતો. તેની દુકાનમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ મજબુર લોકોને મોં માગી કિંમતે આ ઈન્જેક્શનનું વેચાણ થતું હતું. હાલમાં શાહિબાગ પોલીસે આરોપીની ધરપકડ કરીને 3 ઈન્જેક્શન કબજે કરીને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે ઘણા લોકો તેને કાળાં બજારમાં વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગોતામાં આવેલી ધ્રુવી ફાર્માસ્યુટિકલમાં રવિવારે રાત્રે રેડ પાડી હતી, જેમાં 400 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ બાબતે હજુ પોલીસે સત્તાવાર કોઈ માહિતી આપી નથી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ અને સ્ટાફે ગોતામાં રેડ કરી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી. પી. ચુડાસમાએ જણાવ્યું કે, હાલના તબક્કે તપાસ ચાલી રહી છે.

    રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા પકડાયેલા ડો. ધીરેન નાગોરા પાસેથી પોલીસને જે રેમડેસિવિર ઇન્જેકશન મળ્યું હતું તે અમદાવાદની અવંતીકા કંપની દ્વારા એકસપોર્ટ માટે નિર્મીત કરાયેલું છે તો વડોદરાના ધીરેન નાગોરા પાસે કઇ રીતે આવ્યું તે દિશામાં તપાસ શરુ થઇ છે. ડો.ધીરેન એક મહિનામાં રેમડેસિવિરના કાળાબજાર કરી રૂા. 10 લાખ કમાયો હોવાની પોલીસનું અનુમાન છે. આ કેસની તપાસ એસઓજીને સોંપાઇ છે. આ ઇન્જેકશનની બેચ નંબરના આધારે પોલીસે કંપની પાસેથી ઇંજેકશનને લગતી માહિતી મંગાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

    નવરંગપુરાની સેવિયર હોસ્પિટલમાં નોકરી કરતા શખ્સે દાખલ થયેલ કોરોના દર્દીના ડોક્યુમેન્ટ મેળવી ખોટી સહી કરી તથા હોસ્પિટલના લેટર પેડ અને ડોક્ટરનું આધાર કાર્ડ બનાવી એસ.વી.પી હોસ્પિટલના મ્યુનીસીપલ ફાર્મસી સ્ટોરમાં આ ખોટા ડોક્યુમેન્ટ રજુ કરીને રેમડેસિવિરના 30 જેટલા ઈન્જેકશન મેળવીને સેવિયર હોસ્પિટલ સાથે વિશ્વાસ ઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગે નવરંગપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News