કચ્છના ચિરઈ પાસે ઓક્સિજન બોટલ રિફીલિંગ કરાવવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, એક જૂથે જમીનમાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-27 17:14:13
  • Views : 291
  • Modified Date : 2021-04-27 17:14:13

    કોરોના મહામારીના કારણે રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવીર ઈન્જેક્શન અને બેડ મેળવવા મુશ્કેલ બન્યા હોય હવે હિંસક ઘટનાઓ બનવાની શરૂઆત થઈ છે. આવી જ એક ઘટના કચ્છ જિલ્લાના ચિરઈ પાસે બની છે. અહીં ઓક્સિજન બોટલ પ્રથમ ભરાવવા માટે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ સર્જાતા એક જૂથ તરફથી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ જમીનમાં ફાયરીંગ કરાયું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે બંને જૂથના લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    ચકચારી બનાવ અંગે ભચાઉ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભા જાડેજાએ સરકાર તરફે બન્ને જુથના પાંચ શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. તેઓ મોટી ચીરઈમાં આવેલ અગ્રવાલ એન્ડ કંપનીના ગેટ પાસે ગત રાત્રે બંદોબસ્તમાં હતા ત્યારે કંપનીની અંદર ઓફીસ પાસે આ ચકચારી બનાવ બન્યો હતો. જેમાં મોટી ચીરઈના રાજભા કાનજીભા જાડેજા, રામદેવસિંહ રઘુભા જાડેજા, શિવરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી.

    બન્ને પક્ષના આરોપીઓ આશાપુરા ટ્રેડર્સ ભુજની ગાડીઓ ઓક્સિજન ગેસ સિલિન્ડર ભરવા બાબતે વચ્ચે ગાડી ઉભી રાખ્યાના મનદુઃખે ઘર્ષણમાં ઉતર્યા હતા. જેમાં એક પક્ષે રાજભા કાનજીભા જાડેજાએ રીવોલ્વર સાથે આવી રામદેવસિંહ રઘુભા જાડેજાએ ધોકો અને એક અજાણ્યા શખ્સે ધારિયા સાથે આવીને તકરાર કરી હતી.સામા પક્ષે શિવરાજસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજાએ પણ ગેરકાયદેસર મંડળી રચીને પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને તકરાર કરી હતી. રાજભાએ સામા પક્ષના આરોપીઓના લમણે રિવોલ્વર રાખીને જાનથી મારી નાખવાના ઈરાદે આટલી જ વાર લાગશે તેવું કહી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    બન્ને વચ્ચે ઝપાઝપી થયા બાદ બંને પક્ષોએ એકબીજાની ગાડીને નુકસાન પણ પહોચાડ્યું હતું. ઉશ્કેરાયેલા આરોપી રાજભાએ જમીનમાં ૩ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગનો અવાજ સાંભળીને ગેટ પર પોલીસ બંદોબસ્તમાં રહેલા ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ કનુભા જાડેજા દોડી ગયા હતા. તેમણે બન્ને પક્ષના માણસોને વચ્ચે પડીને છોડાવ્યા હતા. તેમની સાથે મોટી ચીરઈના સરપંચ હરપાલસિંહ નટુભા જાડેજાએ પણ એક પક્ષના સાગરીતોને પકડી રાખીને છોડાવ્યા હતા. બન્ને પક્ષોને છુટા પાડતા પોતપોતાની ગાડીઓ લઈને નાશી ગયાની પોલીસ ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઇ છે.આગળની તપાસ પીએસઆઈ પી.એન. ઝીઝુવાડીયા ચલાવી રહ્યા છે. હજુ સુધી કોઈ આરોપીની અટક થઈ શકી નથી.


Download Our B K News Today App



Related News