કોંગી નગરસેવિકાએ મેયરને શુભેચ્છાની સાથે ગંદા પાણીની બોટલ પણ આપી !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 12:22:39
  • Views : 284
  • Modified Date : 2021-03-13 12:22:39

       જામનગર મનપાની ચૂંટણી બાદ નવનિયુક્ત 64 કોર્પોરેટરોની પ્રથમ સામાન્ય સભા શુક્રવારે ટાઉનહોલમાં મળી હતી. મ્યુનિ. કમિશનર સતિષ પટેલે બેઠકમાં ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી હતી. મેયર પદ માટે ભાજપના નગરસેવક દિવ્યેશ અકબરીએ સભ્ય આશિષ જોષીના ટેકાથી બિનાબેન કોઠારીના નામની દરખાસ્ત કરી હતી, વિપક્ષ દ્વારા કોઈ દરખાસ્ત રજૂ નહીં કરતા મેયર પદે બિનાબેનની બિનહરીફ વરણી કરાઇ હતી. મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહીમાં ડેપ્યુટી મેયર પદ માટે સુભાષ જોષીએ સભ્ય પાર્થ કોટડિયાના ટેકાથી ડેપ્યુટી મેયર તરીકે તપન પરમારના નામની દરખાસ્ત રજૂ કરતા વિપક્ષે કોઈ દરખાસ્ત રજૂ નહીં કરતા તપનની ડેપ્યુટી મેયર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

      આ જ રીતે સ્ટેન્ડીંગ કમીટીના 12 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતાં. વિપક્ષના સભ્યોએ ટકોર કરી હતી કે સ્ટેન્ડીંગ કમિટીમાં વિપક્ષના એકાદ-બે સભ્યને સ્થાન આપવાની જરૂર હતી. સામાન્ય સભાની એજન્ડાની કામગીરી પૂર્ણ થતા વિપક્ષના વોર્ડ નં.4 ના કોંગી નગરસેવિકા રચનાબેન નંદાણિયાએ નવનિયુક્ત મેયરને ફૂલ આપી શુભેચ્છાની સાથે ગંદા પાણીની બોટલ આપી વોર્ડ નં.4 માં નળ વાટે ગટરના પાણી આવતા હોવાની ફરિયાદ કરી હતી.

      જામ્યુકોની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવક અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે, વિપક્ષ હમેશા શહેરના વિકાસમાં સત્તાધારી પક્ષ સાથે છે અને રહેશે. ગત 5 વર્ષમાં વિપક્ષને સાંભળવામાં આવ્યો નથી. મેયર કોઈ પક્ષના નહીં, પરંતુ સમગ્ર જામનગરના હોય છે. માટે અમારી રજૂઆતોને પણ ન્યાય મળે તેવી લાગણી વ્યક્ત કરી પક્ષ અને સંકલનથી પર રહી વિપક્ષની રજૂઆતને ન્યાય આપવા જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News