મુખ્યમંત્રી કહે છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન થશે નહીં, આજે શાળા કોલેજો અંગેની બેઠક, હોળીના તહેવાર અંગેનો નિર્ણય બાકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 13:06:55
  • Views : 601
  • Modified Date : 2021-03-18 13:07:38

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ રહ્યું છે. રાજ્યના ચાર મહાનગરોમાં મોટાભાગની સુવિધાઓ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. શાળા કોલેજો અંગે આજે જ નિર્ણય લેવાશે. 2020નું આખુ વર્ષ આપણે કોરોના સામે જંગ ખેલ્યો અને જનતાએ પૂરેપૂરો સરકાર આપ્યો હતો. પણ ફેબ્રુઆરીમાં કોરોનાના કેસ ખુબ ઓછા થઈ જતા, લોકોમાં બેફીકરાઈ જોવા મળી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં ઢિલાસ આવતા કોરોનાના કેસ વધ્યા છે. હવે ઢિલાસ નહીં ચાલે. ગુજરાત સરકારે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલોથી લઈને તમામ તબક્કે તૈયારીઓ દર્શાવી છે અને હાલ સંપૂર્ણ રીતે આપણે ફરીથી કોરોનાને હરાવીશું.

રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં જેટલા કેસ છે તેના કરતા 5 ગણા બેડ તૈયાર છે. હાલ 5 હજાર બેડ તૈયાર છે. ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલમાં પણ બેડ તૈયાર કરી દેવામાં આવ્યાં છે. ખાનગી હોસ્પિટલમાં મનપા દ્વારા સહાય મળતી હતી તે અંગે નિર્ણય લઈશું. તે ઉપરાંત શાળા-કોલેજો અંગે આજે જ નિર્ણય લેવાશે. અને લોકડાઉન કોઈ સંજોગોમાં નહીં આવે. રાજ્યમાં હાલ 3 લાખ વેક્સિનેશન આપવામાં આવે છે. હજુ તેમાં વધારો કરવામાં આવશે. બીજી તરફ આગામી સમયમાં આવનાર હોળીના તહેવારની ઉજવણી અંગે હજી પણ સરકાર અસમંજસમાં છે.

રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવોને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ(તેઓ આ કામગીરી લાંબાસમયથી કરી રહ્યા છે), શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક 1000ની નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં હાલની વાત કરીએ સૌથી વધારે કેસ સુરત અને ત્યારબાદ અમદાવાદમાં કેસો વધી રહ્યા છે. જેમાં સુરતમાં કુલ 292 પોઝિટિવ કેસ, વડોદરામાં 107 અને રાજકોટમાં 80 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના પગલે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. તેમજ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે.

આજથી AMTS અને BRTS બંધ થતાં રિક્ષાચાલકોએ પણ લોકોને લૂંટવાનું શરૂ કર્યું છે. કેટલાક રિક્ષાચાલકો બસો બંધ હોવાનો ફાયદો ઉઠાવી મુસાફરોને લૂંટી રહ્યા છે. સામાન્ય કરતાં બેથી ત્રણ ગણું ભાડું માગી રહ્યા છે. લોકો પાસે નોકરીએ જવા માટે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને રિક્ષાચાલકોને મોં માગ્યું ભાડું ચૂકવી જવું પડી રહ્યું છે. રિક્ષાચાલકો ત્રણથી વધુ પેસેન્જર બેસાડી રહ્યા છે ત્યારે કોરોના નહિ ફેલાય એવા પણ સવાલ લોકો કરી રહ્યા છે.



Download Our B K News Today App



Related News