બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજ રૂ.2200માં જ પરિવારે નક્કી કરેલા મુહૂર્તે લગ્ન કરાવી આપે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-13 11:33:20
  • Views : 320
  • Modified Date : 2020-12-13 11:33:20

    કોરોના મહામારીને કારણે સમાજના દરેક લોકો પોતાના સંતાનોના લગ્ન સારી રીતે કરાવી શકે તે માટે બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજના યુવા સંગઠને ‘આદર્શ વિવાહ’ વ્યવસ્થા શરૂ કરી છે. જેમાં વર-કન્યાપક્ષે ફી રૂપે રૂ. 2200 સમાજને આપવાના હોય છે. જેની સામે વર અને કન્યાપક્ષ કહે તે મુહૂર્ત પર સમાજ લગ્નની તમામ વ્યવસ્થા કરી આપે છે. જો કે, સમાજ તરફથી સાદાઇથી લગ્ન કરવાની શરત મુકાય છે. લગ્ન દરમિયાન લગ્નની જગ્યાથી લઇને વિધિ, કરિયાવર અને વર-કન્યા પક્ષના 40 લોકોને જમાડવાની વ્યવસ્થા પણ સમાજ પોતાના ખર્ચે કરે છે. સોની કામ સાથે જોડાયેલા બ્રાહ્મણ સ્વર્ણકાર સમાજના 5 હજાર કરતા વધુ કુટુંબો અમદાવાદમાં વસે છે. કોરોના મહામારીને કારણે તમામ લોકોને આર્થિક નુકસાન થયું છે.   

    સમાજના કોઇ વ્યક્તિને પોતાના સંતાનના લગ્નમાં કોઇ મુશ્કેલી ન આવે તે માટે સમાજના યુવા સંગઠન દ્વારા આદર્શ વિવાહ વ્યવસ્થાની શરૂઆત કરાઇ છે. અત્યાર સુધી 18 પરિવારોએ તેનો લાભ લીધો છે. આ સાથે જ લગ્ન કરનારી કન્યાને દાતાઓ તરફથી એલઇડી ટી.વી, વોશિંગ મશીન, ડિનર સેટ વગેરે કિંમતી વસ્તુઓ પણ અપાય છે. સમાજ દ્વારા એક જ દિવસે સરકારી નિયમ સાથે પાંચ લગ્ન કરાવાયા હતા. જેમાં સવારે 8 વાગે 2 લગ્ન, ત્યારબાદ 11 વાગે એક લગ્ન, અને બપોરે 3 વાગે બે લગ્ન કરાવાયાં હતાં. સમાજના યુવાનો સમુહ લગ્નોની જેમ અલગ વ્યવસ્થા કરીને સમાજને ઉપયોગી થઇ રહ્યાં છે.

    કોરોના મહામારીના લોકડાઉનને કારણે ઘણાં લગ્નો કેન્સલ થયા હતા, ઘણાંની તારીખ પાછી ઠેલાઇ હતી. ત્યારે એક વિચાર આવ્યો કે સમાજ માટે કંઇક કરવું જોઇએ. અત્યારે સમુહ લગ્નની મંજૂરી મળે તેમ નથી, તેથી આદર્શ વિવાહનો વિચાર આવ્યો. એક વર-વધૂ તૈયાર થાય તો પણ તેઓના લગ્ન અમે સાદાઇથી કરાવીશું, અમે સરકારના દરેક નિયમનું પાલન કર્યું. પહેલા વિવાહ બાદ લોકોનો સારો પ્રતિસાદ મળ્યો, હવે કોરોનાકાળ પછી પણ ભવિષ્યમાં આ સેવા ચાલુ રહેશે. - વિક્ર સોની, સમાજના અધ્યક્ષ વરઘોડિયાં પક્ષ પાસેથી 1100-1100 રૂપિયા લેવામાં આવે છે. જેમાં લગ્નની તમામ વ્યવસ્થા સમાજ કરે છે. જેમાં લગ્નની વિધિ સામેના કુંટુંબ કહે તે પ્રમાણે કરીએ છીએ. સમુહ લગ્નમાં એક જ મુહૂર્ત વખતે બધાં યુગલના લગ્ન થાય છે. જ્યારે અમે કુટુંબ જે મુહૂર્ત કહે તે મુહૂર્તમાં જ લગ્ન કરાવીએ છીએ. - કમલેશ સોની,સંરક્ષક

Download Our B K News Today App



Related News