અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. 5થી 10 સપ્ટે્મ્બર-2022 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 11:40:12
  • Views : 329
  • Modified Date : 2022-07-07 11:40:12


વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. બે વર્ષના લાંબા વિરામ બાદ વર્ષે તા. 5થી 10 સપ્ટે્મ્બર-2022 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે બે મહિના અગાઉ અત્યારથી વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. શ્રદ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુર ખાતે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. કલેકટરએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.


બેઠકમાં અંબાજી ખાતે કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી.બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રિપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કલેકટરએ ઉપયોગી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. પોલીસ દ્વારા પણ પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે. મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


 


Download Our B K News Today App



Related News