રાજકોટમાં લહેરાયો 250 ફૂટ લાંબો તિરંગો, 1 કિમી દૂરથી જ જોઈ શકાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-13 16:53:33
  • Views : 125
  • Modified Date : 2023-08-13 16:53:33

સમગ્ર દેશમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે.  સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું એલાન કરવામાં આવ્યું હતું. જેને લઈ ગુજરાતના દરેક જિલ્લાઓના લોકો આ અભિયાનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ દેશભક્તિના રંગે રંગાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં લોકોએ ઘરો તેમજ ઓફિસ અને બિલ્ડિંગો ઉપર તિરંગો લહેરાવ્યો છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો લગાવાયો છે. રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ તિરંગાની પહોળાઈ 24 ફૂટ છે તેમજ 22 માળના બિલ્ડિંગ પર લગાવાયો છે. જે 1 કિમી દૂરથી પણ જોઈ શકાય છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી સિલ્વર હાઈટ્સ સોસાયટીના બિલ્ડિંગ ઉપર આ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી બિલ્ડિંગ છે.સોસાયટીના પ્રમુખ મુકેશ શેઠએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના એસોસિએશનએ સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે સૌ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશું. જેને લઈ  250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો ગત વર્ષે તૈયાર કરી બિલ્ડિંગ ઉપર લગાવ્યો હતો. અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા આજે ઘાટલોડિયા ચાણક્યપુરીથી નિર્ણયનગર સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

Download Our B K News Today App



Related News