હવે અમદાવાદનો વારો, બપોરે 3 વાગ્યે અહીંથી તાઉ-તે વાવાઝોડું પસાર થશે, અમરેલીના રાજુલામાં ભારે તારાજી, 200થી વધુ વૃક્ષો ધરાશાયી, 3 મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-18 12:12:43
  • Views : 205
  • Modified Date : 2021-05-18 12:12:43

    તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. તો બીજી તરફ જ્યાંથી વાવાઝોડું પસાર થઇ રહ્યું છે ત્યાં તારાજી સર્જી રહ્યું છે. અમરેલીના રાજુલામમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે મોટાભાગના માર્ગો બંધ થયા હોવાના અહેવાલ છે.

    વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશીને પોતાની અસર દેખાડી રહ્યું છે. અમરેલી-જાફરાબાદ સાથે ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ભાવનગરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ગતરાતથી વાવાઝોડાએ ઉનાથી લઈને ભાવનગર સુધી તબાહી મચાવી છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

    રાજ્યમાં ‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં NDRFની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે 20 જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરાઇ છે.

    લોકોને બે દિવસ સુધી ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાના સમયે 15 જેટલા જિલ્લામાં 70થી 175 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. રાજ્યમાં દરિયાકાંઠાના અલગ અલગ જિલ્લામાંથી દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. રાજ્યભરમાં બચાવકાર્ય માટે NDRFની 44 ટીમને તૈનાત કરી દેવાઈ છે, જ્યારે SDRFની પણ 6 ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. તાઉ-તે વાવાઝોડું ગુજરાત તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે. જેની સંભવિત અસર પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં થવાની છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતનમાં સુરત, વલસાડ, નવસારી અને ભરૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવઝોડાની અસર થઇ શકે છે.


Download Our B K News Today App



Related News