ડીસામાં પ્રથમ દિવસે જાહેરનામાનો અમલ કરાવવા તંત્રને મથવું પડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 11:19:09
  • Views : 700
  • Modified Date : 2020-07-11 11:19:09

બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરમાં જે રીતે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તે જોતા જિલ્લા કલેકટર દ્વારા ૧૦ થી આગામી ૨૦ જુલાઇ સુધી ડીસા અને
પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ બજારને સાંજે ચાર વાગ્યા બાદ બંધ રાખવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જોકે ડીસામાં તેનો અમલ કરાવવામાં તંત્રને મથામણ કરવી પડી હતી.
અનલોક ૨.૦ ની જાહેરાત બાદ સરકાર દ્વારા ધંધા-રોજગારને પાટે લાવવા માટે શરતોને આધીન છૂટછાટ
આપવામાં આવી હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરની જનતા અનલોક ૨.૦ માં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટને આઝાદી સમજી બેઠા અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોનું પાલન કર્યા વગર જ પોતપોતાના ધંધા-રોજગાર શરૂ કરી દીધા હતા. જેના લીધે ડીસા અને
પાલનપુરમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા હતા. લોકોની આ બેદરકારીને પગલે અનલોક ૨.૦ માં આ બંને શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ધરખમ વધારો થવા લાગ્યો હતો. જિલ્લામાં અત્યારે કોરોના
પોઝિટિવની સંખ્યા ૩૬૩ સુધી પહોંચી ગઈ છે. તેમાંથી મોટાભાગના દર્દીઓ
પાલનપુર અને ડીસા શહેરના હોવાથી જિલ્લા કલેક્ટર દ્વારા આ સંક્રમણને અટકાવવા માટે ૧૦ જુલાઇથી ૨૦ મી જુલાઇ સુધી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય બે શહેર એવા ડીસા અને પાલનપુરમાં સવારના સાતથી સાંજના ચાર વાગ્યા સુધી જ ધંધા-રોજગાર ચાલુ રાખવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામાને લઈ અમારી ટીમે આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો હતો. ત્યારે અધિક આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું કે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થતો હતો. આ વધારો થવા પાછળનું કારણ લોકોની બેદરકારી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ચોક્કસ કોરોનાના કેસોમાં ઘટાડો થશે અને કોરોના સામેની લડાઈમાં આપણે સુરક્ષિત રહી શકીશું.
બનાસકાંઠા જિલ્લામાં એકવાર ફરી લોકોની બેદરકારીના લીધે સાંજે ચાર વાગ્યા બાદ લોકડાઉન જેવી પરિસ્થિતી નિર્માણ થવા જઇ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય આગામી સમયમાં કેટલો કારગર નીવડે છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

Download Our B K News Today App



Related News