કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહેતા લાખણી તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-18 11:21:59
  • Views : 510
  • Modified Date : 2020-10-18 11:21:59

લાખણી તાલુકા પંચાયત છેલ્લા અઢી વર્ષથી સતત વિવાદમાં રહી છે અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતાં અને નવી ટર્મ માટે મહિલા બક્ષીપંચની સીટ જાહેર થઈ હતી. સરકાર દ્વારા નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ૧૭/૧૦/૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવી હતી. જેને લઈને તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી લાખણી વિસ્તારમાં રાજકીય કાવાદાવા ચરમસીમા પર હતા કારણ કે બન્ને પક્ષના એકસરખા સભ્યો હોવાથી બન્ને પક્ષ દ્વારા એકબીજાના પક્ષમાંથી સભ્યોને પોતાની તરફ ખેંચવા અથવા ગેરહાજર કરવા મથી રહ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના મીટિંગ હોલમાં નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ભારે રસાકસી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજવામાં આવી. જેમાં ભાજપના પ્રમુખના ઉમેદવાર તરીકે ટીપુબેન લક્ષ્મણભાઈ કરડ(પટેલ) અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જડીબેન લાલજીજી ચાવડા (ઠાકોર) હતા. જેમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ૧૧ સભ્યોની બહુમતિ મળી હતી. કોંગ્રેસના સભ્યને ૯ સભ્યોનું સમર્થન મળતાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ઉમેદવાર તરીકે અજીતસિંહ ભગવાનસિંહ વાઘેલા હતા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભલાભાઈ મંજીભાઈ રાજપૂત (લવાણા) હતા. એમાં પણ ભાજપના ઉમેદવારના સમર્થનમાં સભ્યોની બહુમતી મળી. કોંગ્રેસના સમર્થનમાં ૯ સભ્યોની બહુમતી મળતાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આમ ભાજપના ૧૧ સભ્યો હાજર રહ્યા અને કોંગ્રેસના ૯ સભ્યો હાજર રહેતા ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ભારે રસાકસી અને ખેંચતાણ બાદ ભાજપ કોંગ્રેસને પછાડવામાં સફળ રહ્યું હતું.
તાલુકા પંચાયત ભાજપની બનતા ભાજપના સમર્થકોમાં ખુશી છવાઈ હતી. જ્યારે કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ પ્રસંગે બાબરાભાઈ પટેલ, ધુડાભાઈ પટેલ,
ટી. પી. રાજપૂત, મહેશભાઈ દવે, તેજાભાઈ ભુરિયા, હેમરાજભાઈ પટેલ, બાબુભાઇ પાનકુટા, ભલજીભાઈ રાજપૂત, સવજીભાઈ રાજપૂત, માલાભાઈ રાજપૂત, એન. ટી. પટેલ, સુરેશભાઈ પટેલ સહિત ભાજપ અને કોંગ્રેસના આગેવાનો-કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News