ચીનના હુમલાનું જોખમ વધતા તાઈવાને નવી યોજના બનાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-21 14:53:59
  • Views : 474
  • Modified Date : 2023-01-21 14:53:59

ચીનની ઘૂસણખોરી અને યુદ્ધની તૈયારીઓના ખતરા વચ્ચે તાઇવાને પોતાની તૈયારીમાં પણ ઝડપ કરવા માંડી છે. તાઇવાન મહિલાઓને રિઝર્વ ફોર્સમાં સામેલ કરીને પુરૂષોની માફક મિલિટરી ટ્રેનિંગ આપવા જઇ રહ્યું છે. તાઇવાન રક્ષા મંત્રાલયે કહ્યું કે, તે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં 220 મહિલા સૈનિકોને તાલીમ આપશે. જે મહિલાઓ રિઝર્વ ફોર્સમાં સામેલ થવા માંગે છે તેઓ સ્વેચ્છાએ ટ્રેનિંગ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

તાઇવાનના રક્ષા મંત્રાલયની ઓલ આઉટ ડિફેન્સ મોબિલાઇઝેશન એજન્સીના મેજર જનરલ યુ વેન-ચેંગે કહ્યું કે, આ વર્ષે આ યોજનાનું પરીક્ષણ કરાશે. અત્યાર સુધી અમારી પાસે માત્ર પુરુષ ઉમેદવારોને જ મિલિટરી ટ્રેનિંગ આપવાની ક્ષમતા હતી, જ્યારે મહિલાઓ માટે આવી કોઇ વ્યવસ્થા નહોતી. આ નિવેદન પર સાંસદોએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહિલાઓને રિઝર્વ ટ્રેનિંગથી બહાર કરવી એ જાતીય ભેદભાવ છે.

વાસ્તવમાં, તાઇવાનની હવાઇ સરહદમાં ચીન ફાઇટર પ્લેનથી ઘૂસણખોરી કરી રહ્યું છે. ચીને તાજેતરમાં જ તાઇવાનની નજીક યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ ટ્રેનિંગની આડમાં ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.

તાઇવાનમાં 18થી 36 વર્ષની ઉંમરના પુરૂષોએ અનિવાર્યપણે સૈન્ય સેવાની અવધિ પૂર્ણ કરવાની હોય છે. રજા મળ્યા બાદ, રિઝર્વ પુરૂષ સૈનિકોને 8 વર્ષમાં 4 વાર તાલિમ માટે બીજીવાર બોલાવે છે. તાઇવાન લગભગ 1.2 લાખ રિઝર્વ સૈનિકોને વાર્ષિક તાલીમ આપે છે.

તાઇવાન 2024થી પુરુષો માટે અનિવાર્ય સૈન્ય સેવાની અવધિને ચાર મહિનાથી વધારીને એક વર્ષ કરશે. આ નિર્ણય 2005 બાદ જન્મેલા પુરૂષો પર લાગુ થશે. તાઇવાનના સૈન્યમાં 1.7 લાખ જવાનો છે, જે મોટા ભાગે સ્વયંસેવકોને જોડીને બનાવાયું છે.

 

Download Our B K News Today App



Related News