શ્રાવણનાં તહેવારોમાં ભીંજાયું ગાંધીનગર.... જળબંબાકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 12:18:03
  • Views : 374
  • Modified Date : 2020-08-10 12:18:03

ગાંધીનગરમાં છેલ્લાં ત્રણ દિવસથી રહેલાં વાદળછાયા વાતાવરણમાં બે દિવસ સુધી ઝરમરીયાં બાદ ગઈ રાતથી મેઘરાજાએ મહેર કરી હતી. ગઇરાત્રે ૮ વાગ્યાથી મન મૂકીને વરસી રહેલાં મેઘરાજાએ શ્રાવણ મહિનાનાં તહેવારોમાં ગાંધીનગરને જળ બંબાકાર કરી નાખ્યું છે. સમગ્ર જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદનાં કારણે પાટનગરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીની લાગણી
વ્યાપી ગઈ છે.
ગાંધીનગર જિલ્લામાં ત્રણ દિવસથી રહેલાં વરસાદી માહોલમાં છેલ્લાં ૨૦ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ
પડતાં રાહતની લાગણી વ્યાપી છે. ગઈકાલે દિવસ દરમિયાન ત્રણ વખત સામાન્ય ઝાપટાં
પડયાં હતાં. આ પછી રાત્રે ૮ વાગ્યાથી મેઘરાજા મન મુકીને વરસ્યા હતાં. જેમાં ગઈ રાત અને આજે સવારથી મોડી સાંજ સુધી મેઘરાજાની મહેર રહી હતી. જો કે, વચ્ચે વિસામો લેતાં લેતાં પડેલાં વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી લોકોને રાહત થઈ હતી.
   ગાંધીનગરમાં પડેલાં દોઢ ઇંચ જેટલાં વરસાદનાં કારણે શહેરમાં અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જતાં સરોવર જેવી હાલત થઈ છે.
ઘ માર્ગ ઉપર અનેક જગ્યાઓ સહિત ચ-૩, સેક્ટર ૬ /૭નું મેદાન તેમજ વિવિધ સેક્ટરો ના કાૅમન પ્લોટ પણ સરોવરમાં ફેરવાઈ ગયાં છે.
આ સાથે મહાનગર
પાલિકા કે ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલીક વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહી હોવાથી હાલાકી સર્જાઈ છે. જેમાં વસાહતીઓ ધ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતાં મચ્છરોના ઉપદ્રવ સહિતની મુશ્કેલીઓ વધી છે.

ગાંધીનગર જિલ્લામાં સરેરાશ ૧૭ ઈંચ વરસાદ, સૌથી વધુ દહેગામ - માણસામાં
ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં કલોલ અને ગાંધીનગર તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે માણસા અને દહેગામ તાલુકામાં બે ઈંચ વરસાદ
પડ્યો છે. આ સાથે સીઝનમાં સૌથી વધુ વરસાદ દહેગામ અને માણસા તાલુકામાં ૪૬૮ મીમી એટલે કે, ૧૮. ૭ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર જિલ્લામાં ગઇકાલ રાતથી આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં ગઇ રાત ઉપરાંત આજે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન સરેરાશ ૧૦ થી ૨૨ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારથી સાંજે ૬ વાગ્યા સુધીમાં કલોલમાં ૩૮, ગાંધીનગરમાં ૩૩, દહેગામમાં ૨૫ અને માણસા તાલુકામાં ૨૪ મીમી વરસાદ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લામાં આ સાથે સિઝનનો સરેરાશ વરસાદ ૧૭ ઈંચ થઈ ગયો છે. જેમાં દહેગામ અને માણસા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૪૬૮ મીમી એટલે કે, ૧૮. ૭ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરમાં ૪૦૮ મીમી એટલે કે, ૧૬. ૩ મીમી વરસાદ નોંધાયો છે. તો સૌથી ઓછો વરસાદ કલોલમાં ૩૪૮ મીમી એટલે કે, ૧૪ મીમી વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News