સુત્રાપાડા, વેરાવળ અને કોડીનાર પાણીથી છલકાયા, પાકોને ભારે નુકસાન થતાં ખેડૂતો હેરાન

  • Published By :
  • Published Date : 2022-09-13 15:21:14
  • Views : 195
  • Modified Date : 2022-09-13 15:21:14

જિલ્લાના અન્ય ત્રણેય તાલુકાઓમાં પણ ઝાપટાથી લઈને એક ઈંચ જેવો વરસાદ વરસી જતા વાતાવરણમાં અનેરી ઠંડક પ્રસર્યોનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે. આજે બીજા દિવસે સમગ્ર જિલ્લામાં દિવસભર અવિરત વરસાદ વરસે તેવો માહોલ સર્વત્ર જોવા મળી રહ્યો છે. આ વરસાદના પગલે પાકોને નુકશાન થવાની પરિસ્થિતિ સર્જાય રહી હોવાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. જિલ્લાના છએય તાલુકામાં અડધાથી લઈને 4 ઈંચ સુધીનો વરસાદ સવારે 7 થી 12 વાગ્યા સુધીમાં વરસી ગયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડામાં 4 ઈંચ, વેરાવળ સોમનાથ અને કોડીનારમાં 2 ઈંચ, જ્યારે તાલાલામાં 1.5 ઈંચ, ઉના અને ગીરગઢડામાં અડધો ઈંચ જેવો વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લાના આકાશમાં વ્હેલી સવારથી કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજય છવાય ગયાની સાથે ધીમી પણ ધીંગી ધારે વરસાદ વરસી રહ્યો છે. વેરાવળ સોમનાથમાં ગઈકાલે સાંજે પડેલા ભારે વરસાદ બાદ આખી રાત છુટો છવાયો ઝાપટા રૂપી વરસાદ વરસ્યો હતો. આજે સવારે સાતેક વાગ્યાથી ફરી મેઘસવારી ધીમી ધારે શરૂ થયેલી હતી. જે અત્યારે બારેક વાગ્યે પણ અવિરત ધીમી ધારે ચાલુ છે. આમ જોડીયા શહેરમાં સતત બીજા દિવસે વરસેલ 2 ઈંચ વરસાદના પગલે ફરી અનેક મુખ્ય માર્ગે અને વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. જેમાં ખાસ સટ્ટાબજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ, જુની કોર્ટની ગલી, અમરદીપ રોડ સહિતના માર્ગે ઉપર પાણી ભરાઈ જતા દુકાનો ખોલવા જઈ રહેલા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે બીજા દિવસે પણ શહેરમાં અનેક સ્થળોએ ગટરો ઉભરાઈ ગયેલી જોવા મળી હતી. તો કચરો ઉપાડેલો ન હોવાથી માર્ગે ઉપર વિખેરાયેલ નજરે પડતો હતો. આમ મેઘરાજાએ પાલીકા તંત્રની નબળી અણઘડ કામગીરીની પોલ ખોલી નાંખયાના દ્રશ્યો અનેક સ્થળોએ જોવા મળતા હતા. જેને લઈ શહેરીજનોમાં તંત્ર સામે રોષ પણ પ્રવર્તેલ હતો. આજે સુત્રાપાડા પંથકમાં સવારથી બપોર સુધીમાં 4 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતા નદી નાળાઓ છલકાઈને વહેતા જોવા મળ્યાં હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવા લાગેલા હતા. તો ખેતરો પાણીથી તરબતોર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સતત પડી રહેલા વરસાદ હવે બંધ નહીં થાય અને ઉઘાડ નહીં નીકળે તો ખેતરોમાં વાવણી કરાયેલ મગફળી, સોયાબીન સહિતના પાકોને ભારે નુકશાન પહોંચવાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જેથી જગતનો તાત મુંઝવણમાં મુકાયો હોવાનું ખેડુતો પાસેથી જાણવા મળી રહ્યુ છે. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં ગઈકાલે ગાજવીજ સાથે પડેલા ભારે વરસાદમાં પંથકના ભાલપરા ગામના સીમ વિસ્તારમાં એક ખેતરમાં રહેલ નાળીયેરીના ઝાડ ઉપર વીજળી પડી હતી. જેના લીધે નાળિયેરીનું ઝાડ સળગી ઉઠયું હતુ. જેના દ્રશ્યો આજે સામે આવ્યા છે. આમ ગઈકાલે વિજળી સાથે ભારે વરસાદમાં પ્રથમ નુકસાનીની વિગત સામે આવી છે. જો કે મેઘગર્જના સાથે વિજળીના ચમકારાના પગલે લોકોમાં ગભરાટનો માહોલ પ્રસર્યો હતો.

Download Our B K News Today App



Related News