સોલર પ્લાન્ટ માટે 54 વીઘા ગૌચર જમીન ફાળવી દેવાતાં સુજાણપુરા ગામનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 12:09:36
  • Views : 2524
  • Modified Date : 2020-09-25 12:09:36

     બહુચરાજી તાલુકાના મોઢેરા ગામને રૂપિયા 65 કરોડના ખર્ચે સોલાર વિલેજ બનાવવાના ભાગરૂપે 10 કી.મી દુર સુજાણપુરા ગામે સોલર પ્લાન્ટ ઊભો કરવામાં આવનાર છે, આ માટે જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતને અંધારામાં રાખી 54 વીઘા (12 હેકટર) ગૌચરની જમીન ઊર્જા વિભાગને ફાળવી દેવામાં આવી છે અને તેનાથી ગામને કોઇ જ લાભ મળવાનો ન હોવાની જાણ થતા ગ્રામજનો ભડકી ઉઠયા છે. આ નિર્ણય અંગે જિલ્લા કલેકટરને પુનઃ વિચારણા કરવા ગ્રામજનો દ્વારા લેખિત રજૂઆત પણ કરાઇ છે. સરકાર દ્વારા કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગ્રામજનોએ લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

મોઢેરાને 65 કરોડના ખર્ચે સોલાર વિલેજ બનાવવા 10 કિ.મી દુરના ગામે જમીન ફાળવાઇ
ગ્રામજનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, ગામ સો ટકા બક્ષીપંચ છે અને 2000થી વધુ પશુધન છે. પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. મોઢેરા ગામના વિકાસ માટે સોલાર પ્લાન્ટ બનાવવાનો હોય તો તે ગામની જમીનનો ઉપયોગ કરવો જોઈએ તેના બદલે મોઢેરાથી 10 કિ. મી દૂર સુજાણપુરની સર્વે નં 499 અને 500ની 12 હેક્ટર જમીન ફાળવી દીધી છે જેના બદલામાં અમારા ગામને 6 - 7 કિમી દુર છેટાસણા અને મોઢેરા ગામની જમીન ગોચર માટે નીમ કરી છે. ખેડૂતોના ખેતરમાં જવાના જાહેર રસ્તા બંધ થવાથી અંદરોઅંદર વિખવાદ ઊભો થઈ શકે છે. વરસાદી પાણી સોલાર પ્લાન્ટ માટે ફાળવેલી જમીનમાં બનેલ કુદરતી વાડમાંથી પસાર થાય છે તે બંધ થતાં ગામમાં ઘૂસી જવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

ગ્રામ પંચાયતનો જમીન ફાળવવા સામે વિરોધ છે
સોલર પ્લાન્ટ માટે અમારા ગામની ગૌચરની જમીન સંપાદન કરવામાં ગ્રામ પંચાયતની કોઈ આગોતરી જાણ કરાઇ નથી ગામની 41 હેકટર ગૌચર માંથી 12 હેકટર લઈ લેવામાં આવતા ગામના 2000થી વધુ પશુઓના નિભાવ માટે મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે આ જમીન ફાળવવા સામે ગ્રામ પંચાયતનો વિરોધ છે. અને તે અંગે ઠરાવ પણ કરાયો છે. - કંકુબા રમેશજી ઠાકોર, સરપંચ સુજાણપુરા ગામ.

Download Our B K News Today App



Related News