બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની સૂડી વચ્ચે સોપારી જેવી દુર્દશા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-27 11:53:59
  • Views : 514
  • Modified Date : 2020-03-27 11:53:59

 એકબાજુ કોરોના નામના ભયંકર વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે અને દિવસે દિવસે આ બીમારીથી માનવ મૃત્યુઆંક વધી રહ્યો છે. તેની ગંભીરતાને લઈ દેશમાં પણ વડાપ્રધાને દેશહિતમાં એકવીસ દિવસનું લોકડાઉન આપ્યું છે, જેથી લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવે અને તેનો વધતો ફેલાવો અટકાવી શકાય. તેમજ આ માનવખાઉં દાનવને જલ્દીથી માત આપી શકાય.
પરંતુ સદીઓથી અલગ અલગ સત્તાઓ નીચે પીડાતો ખેડૂત આજે એક તરફ કોરોના નામના કાતિલ વાયરસ અને કુદરત વચ્ચે લાચાર બન્યો છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ, માવઠું, તેજ પવન અને કોરોના નામનો જીવલેણ વાયરસ તો બીજી તરફ પાકીને તૈયાર ઉભેલા પાકોએ જગતના તાતને વિચારવા મજબુર કર્યો છે કે કઈ રીતે મરવું ભૂખથી કે બીમારીથી પણ કાળી મજુરી કરીને દેશના લોકોના પેટનો ખાડો પૂરતો ખેડૂત આજે લાચાર બન્યો છે. મોટા ભાગના શહેરી લોકોને આજે પણ તેમના બંધ બારણે દુઘ, શાકભાજી, અનાજ અને કઠોળ સહિતની
ચીજવસ્તુઓ ખેડૂતોના પ્રતાપે
પહોંચી રહી છે . જે ખેડૂત ઘરમાં પુરાઈ રહેવાને બદલે પોતાની ચિંતા કર્યા વિના દેશભાવનાથી પોતાની સેવા આપી રહ્યો છે એ ખેડૂત આજે કુદરત અને કોરોના સામે ઝઝૂમી રહ્યો છે.
અમીરગઢ ઃ અમીરગઢ વિસ્તારમાં રવિ સીઝનના પાકો તૈયાર થઈ ગયા હોવાથી વિસ્તારના ખેડૂતોએ ઘઉં સહિતના પાકોની કાપણી ચાલુ કરી દીધી છે ત્યારે દરેક ખેડૂત કુટુંબો અત્યારે પોતપોતાના ખેતરોમાં કાપણી અને લણણી કરી રહ્યા છે તો પશુપાલકો પણ પોતાના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પરંતુ એક બાજુ આકાશમાં વાદળછાયું વાતાવરણ અને માવઠું થવાનો ભય તો બીજી તરફ કોરોના વાયરસનો ભય ઓછો પડતો હોય એમ વહેલી સવારથી
ફૂંકાઈ રહેલા તેજ પવનને કારણે વાઢેલા ઘઉં વેરવિખેર થઈ જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળ્યો હતો.
દિયોદર ઃ કોરોનાના ડર વચ્ચે લોકોનું જીવન શુસુપ્ત બન્યુ છે અને રાજ્યમાં લોકડાઉન છે. ત્યારે  સવારથી જ દિવસ દરમિયાન વારંવાર વરસાદી ઝાપટા પડયા હતા.  ખેડૂતો ઉપર આફતના વાદળો સમાન અવકાશી આફતરૂપી  વરસાદી ઝાપટાએ ખેડૂતોના જીરૂં, વરિયાળી, સુવા, ઘઉં જેવા
પાકોમાં ભારે નુકસાન નોતરી રહ્યા છે અને રોગચાળાની પણ ભારે ભીતિ સેવાઇ રહી છે.
ગઢ ઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે બનાસકાંઠાના ગઢ
પંથકમાં ઘઉં અને એરંડાનુ મોટા પ્રમાણમાં વાવેતર થયેલ હોઈ ખેડૂતો ચિંતિતછે. તો બીજી બાજુ  ઘઉના પાકની
કાપણી હાલમાં ચાલી રહી છે અને ખેતરોમાં ઘઉં કાપણી કરેલા પડ્‌યા છે. ત્યારે અચાનક પવન ચાલુ થઈ વરસાદી છાંટા ચાલુ થતા ખેડૂતોના હાલ પડતા પર પાટુ જેવા થયા છે. એક બાજુ કોરોનાની મહામારીથી સંપૂર્ણ દેશ લોકડાઉન છે ત્યારે ખેડૂતો દેશના લોકોને અન્ન મળી રહે તે માટે ખેતરોમાં ઘઉંની
કાપણી કરી ઘઉંના પાક લેવાની તૈયારીઓ કરી રહ્યા  છે. ત્યારે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. જો વરસાદ વધારે આવે તો હાથમાં આવેલ કોળીયો છીનવાઈ જાય તેવી
પરિસ્થીતી ઉભી થઈ છે.
થરા ઃ  છેલ્લાં બે દિવસથી આકાશ વાદળોથી ઘેરાયેલ હતું ત્યારે આજે બપોર બાદ અચાનક પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદનું
ઝાપટું પડતા કાંકરેજ પંથકમાં ખેડૂતોની હાલત દયાજનક બની છે. માંડ આખું વર્ષ મહેનત કરીને પાક તૈયાર થયો છે ત્યારે  ખેડૂતો માટે  કમોસમી વરસાદ આફત લઈને આવ્યો છે. મોઢે આવેલો કોળિયો છીનવી જવાની બીકે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પોતાનો
પાક બચાવવાં બે  દિવસથી ખેડૂતો રાતદિવસ એક કરી રહ્યા છે. એક બાજુ કોરાના ઇફેક્ટ ખેડૂતોને નડી રહી છે ત્યારે કુદરતી બીજી આફત સામે આવતા ખેડૂતો માટે
કપરી સ્થિતિ ઉભી થઇ છે. હાલ જીરું, ઘઉં અને એરંડા તેમજ તમાકુ જેવા પાકો લેવાનું ચાલુ છે. આજે આવેલા વરસાદે ખેડૂતોને વ્યાપક નુકસાન કરેલ છે. આજની કારમી મોંઘવારી સામે ખર્ચ કરી તૈયાર કરેલ પાક બગડી જતા ખેડૂતો બેહાલ બન્યા છે. હજુ પણ આકાશમાં વાદળો ઘેરાયેલ છે જો વધુ વરસાદ આવશે તો વધુ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

Download Our B K News Today App



Related News