ગાંધીનગર ખાતે જનજાગૃતિ શિબિરનો શુભારંભ કરતાં નાયબ મુખ્યમંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-29 11:32:50
  • Views : 405
  • Modified Date : 2019-11-29 11:32:50

માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા આયોજીત માટી કલાકૃતિ પ્રદર્શન અને જનજાગૃતિ શિબિરનો શુભારંભ કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, માટી કલાકારો દ્વારા સ્વરોજગારી થકી હજારો
પરિવારોનું ગુજરાન રાજ્યમાં થઇ રહ્યુ છે.  ત્યારે આવા કારીગરોને  ટેકનોલોજીના માધ્યમ દ્વારા પ્રોત્સાહિત કરીને કારીગરો ટેકનોલોજી અપનાવતા થાય અને વધુ રોજગારી મેળવે એ માટેના સક્રિય પ્રયાસો કરાશે. ભુતકાળમાં માટીમાંથી તૈયાર થતી ચીજવસ્તુઓ માટે કારીગરોને જે શ્રમ પડતો હતો તેમાંથી બહાર લાવવાનું કામ આ સરકારે કર્યુ છે. તેમને પણ ટેકનોલોજીનો લાભ મળે અને ઓછી મજુરીથી વધુ રોજગારી મળે એવા પ્રયાસો હાથ ધર્યા છે. રાજ્યમાં તહેવારો દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓનું જે વેચાણ થાય છે તેમાં પણ માટીની મૂર્તિઓના વેચાણને પ્રાધાન્ય અપાશે. પર્યાવરણને નુકસાન કરતી પ્લાસ્ટર ઓફ
પેરીસ (પીઓપી) ની મૂર્તિઓ
પર આગામી સમયમાં પ્રતિબંધ મૂકવાની પણ રાજ્ય સરકારની વિચારણા છે. જેના પરિણામે
પર્યાવરણનું જતન થશે. સાથે સાથે ગામડામાં રોજગારીનું સર્જન થશે અને લોકોનું જીવનધોરણ ઉંચું આવશે. માટીકલાના કારીગરો આજના સમય મુજબ ઘર વપરાશની અદ્યતન માટીની વસ્તુઓ જેવી કે રેફ્રીજરેટર, કુકર, પાણીની બોટલો, ભોજનની થાળી સહિતની સુંદર મજાની બનાવતા થયા છે. એનો પણ નાગરિકો મહત્તમ ઉપયોગ કરીને ખરીદે તે માટે પણ  અનુરોધ કર્યો હતો.  ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનના અધ્યક્ષ દલસુખભાઇ પ્રજાપતિએ કહ્યુ કે, વર્ષ-૧૯૭૯માં સર્વિસ ઇન્સ્ટિટયુટ તરીકે સ્થાપવામાં આવેલી
ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનનો મુખ્ય અભિગમ ગ્રામ વિકાસમાં સમુચિત ટેકનોલોજી તથા કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોનું સંકલન કરી ગ્રામ કારીગરો તથા કુટીર ઉદ્યોગના વિકાસ દ્વારા ગ્રામ વિકાસની પ્રક્રિયાને વેગીલી બનાવવાનો છે. હાલમાં દર વર્ષે આ સંસ્થાન દ્વારા અલગ અલગ ૧૩ પ્રકારના સ્વરોજગારીલક્ષી વ્યવસાયમાં અંદાજીત ૧૪ હજાર જેટલા યુવક-યુવતિઓને માસિક રૂ.૧૫૦૦નું સ્ટાઇપેન્ડ સાથે વિનામૂલ્યે ઘર આંગણે તાલીમ આપવામાં આવે છે.
ચાલુ વર્ષે ૨૯ ઓગસ્ટથી ૨જી સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે માટીમૂર્તિ મેળાના થયેલા આયોજનમાં ૪૩૮ જેટલા મૂર્તિકારોને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા હતા. માટીની મૂર્તિઓની સ્વિકૃતીમાં મોટા પાયે જાગૃતિ ઉભી થતા વર્ષ ૨૦૧૯-૨૦માં માટીની મૂર્તિની માંગમાં રાજ્યમાં ૫૦ થી ૭૫ ટકા જેટલો ઘટાડો થયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૩૮૪૬ કારીગરોને વિનામૂલ્યે માટીની મૂર્તિ બનાવવાની તાલીમ અને ટૂલકીટ આપવામાં આવે છે. તે ઉપરાંત મૂર્તિ મેળામાં ૧૮૮૯ કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાવી રૂ. ૧૨.૯૮ કરોડની માટીની મૂર્તિના વેચાણની સિદ્ધિ મેળવવામાં આવી છે. તો બીજી તરફ વેચાણ પ્રોત્સાહન યોજના અન્વયે મૂર્તિકારોને કુલ રૂ.૧૪૨ લાખની વેચાણ સબસીડી ચૂકવવામાં આવી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી પ્રજાપતિ સમાજના કાર્યકરો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News