બનાસકાંઠામાં માર્કેટયાર્ડનો સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે શુભારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-21 10:52:47
  • Views : 530
  • Modified Date : 2020-04-21 10:52:47

ડીસા ઃ ૨૧ દિવસના લોકડાઉન બાદ સોમવારે સોશિયલ ડિસ્ટન્સ અને સરકારના નિતિ નિયમ વચ્ચે ડીસા માર્કેટયાર્ડમાં પ્રથમ દિને ઘઉં અને બાજરીની હરાજીના કામકાજનો પ્રારંભ થયો હતો. જેમાં ઘઉં અને બાજરીની મળી કુલ ૫૩૨ બોરીની આવક નોંધાઇ હતી. સરકાર દ્વારા અનાજ, કઠોળ અને તેલીબિયાં સહિતનો પુરવઠો સરળતાથી મળી રહે તે માટે કેટલાંક નિતિ નિયમોના પાલન કરવાની શરતે માર્કેટયાર્ડ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં મહત્વનું સ્થાન ધરાવતા ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ અને સેક્રેટરી એ.એન.જોષીની દેખરેખ નીચે સોમવારથી સોશિયલ ડિસ્ટન્સ અને નિતિનિયમોના પાલન સાથે ઘઉં અને બાજરીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિને બાજરીનો પ્રતિ મણ (૨૦ કિલો) ના ૪૭૦ થી ૪૯૫ રહ્યો હતો. જયારે ઘઉંનો પ્રતિ મણ (૨૦ કિલો) ના ૩૫૦ થી ૪૭૧ રહ્યો હતો. આમ ડીસા માર્કેટયાર્ડમાં ઘઉં અને બાજરીની ૫૩૨ બોરીની આવક નોંધાઇ હતી. આ ઉપરાંત સરકાર દ્વારા કોરોના વાયરસને કારણે બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનનો સંપૂર્ણ અમલ ઉપરાંત કર્મચારીઓ અને
વેપારીઓ દ્વારા આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવી હતી. આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે ખેડૂતો, વેપારીઓ, હમાલ-તોલાટ અને ગુમાસ્તાઓ માટે માસ્ક અને સેનીટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ જનજાગૃતિ માટે પોસ્ટર, ટેમ્પ્રેચર ગનથી ચકાસણી, સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી છે.
લાખણી ઃ કોરોના મહામારી અટકાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ૨૪ માર્ચના દિવસે દેશ અને રાજ્યને સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યો હતો ત્યારે ૨૭ દિવસ બાદ રાજ્ય સરકારે અમુક નિયમોને ધ્યાનમાં રાખી રાજ્યના માર્કેટયાર્ડ ચાલુ કરવાનો આદેશ કરતા લાખણી માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ઊભી ના થાય અને ખેડૂતોએ પકવેલા
પાકનું વેચાણ થાય  એવા હેતુથી માર્કેટયાર્ડ ચાલુ કરવામાં આવ્યા છે. માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સનું પૂરું ધ્યાન રાખવું અને સવારમાં સાતથી નવ વાગ્યા સુધી ખેડૂતોને માર્કેટયાર્ડમાં પ્રવેશ આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે.  લાખણી માર્કેટયાર્ડમાં પહેલા દિવસે ૬૫૦ બોરીની આવક થઈ હોવાનું ચેરમેન બાબુભાઈ
પાનકુટાએ જણાવ્યું હતું. માર્કેટયાર્ડના શરૂઆતના દિવસે અદ્રેત સાર્વજનિક ટ્રસ્ટ વતી મહેશભાઈ દવે દ્વારા માર્કેટયાર્ડમાં આવેલ દરેક વ્યક્તિને આયુર્વેદિક રોગ પ્રતિકારક ગોળીઓનું  ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને ગોળીઓનું કેવી રીતે સેવન કરવું એ બાબતે વિસ્તારથી સમજાવવામાં આવ્યું હતું. સાથે સાથે કે.કે. ભેદરૂ ચેરીટેબલ ટ્રસ્ટ વતી લાલજીભાઈ પટેલ દ્વારા લાખણી માર્કેટયાર્ડમાં આવેલ આગેવાનો, અધિકારીઓ,
વેપારીઓ, ખેડૂતો અને મજુરોને ફ્રીમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દિયોદર ઃ દિયોદર માર્કેટયાર્ડમાં ખરીદ વેચાણનો સરકારની ગાઈડલાઇન મુજબ પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ પેઢીઓના માલિકો અને મજૂરોને સેનીટાઇઝ બોક્સમાં થઈ પ્રવેશ અપાયો હતો. માર્કેટયાર્ડના પ્રવેશદ્વાર ઉપર સેનીટાઇઝ બોક્સ બનાવાયું છે. અને આ બોક્સમાંથી પસાર થયા બાદ જ માર્કેટયાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ ૩૦૦ ખેડૂતો બજારી, રાયડો, ઘઉંના વેચાણ અર્થે માર્કેટયાર્ડમાં આવ્યા હતા. જ્યારે દિયોદર માર્કેટયાર્ડમાં બાજરી ૪૫૮-૪૬૧, રાયડો ૭૪૫-૭૭૬, ઘઉં ૩૭૦-૪૨૦ મુજબના ભાવો
પડ્‌યા હતા અને આવક ૪૯૨ બોરી રાયડો, ઘઉં ૬૩ બોરી તેમજ બાજરીની ૧૮ બોરીની આવક થઈ હતી. તેમજ માર્કેટયાર્ડમાં આવનાર તમામ વેપારીઓ, ખેડૂતો, તેમજ લેબર તમામને સેનીટાઇઝ કર્યા બાદ પ્રવેશ અપાયો છે અને સરકારના લોકડાઉનું સંપૂર્ણપણે પાલન થાય તેની તકેદારી રખાઈ રહી છે.  આ બાબતે માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન પ્રમુખ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે  ખેડૂતોને વેચેલા માલનું ત્વરીત પેમેન્ટ મળી જાય તેવું સુચારૂ આયોજન કરેલ છે. 
 ધાનેરા  ઃ સમગ્ર ભારતમાં લોકડાઉનને લઇને એકાદ મહીનાથી તમામ બજારો બંધ રહેવા પામ્યા છે. જેમાં ધાનેરા ગંજ બજાર બંધ થતાં ધાનેરા તાલુકાના મોટાભાગના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. તે બાબતે માર્કેટયાર્ડના ચેરમેન ભુરાભાઇ
પટેલ તથા તેમની ટીમ કલેકટરને મળીને ગંજ બજારમાં ભીડ ના થાય તે રીતે સોમવારથી ગંજ બજાર ચાલુ કરવામાં આવ્યુ હતુ અને પ્રથમ દિવસે લોકોને ખબર ન હોવાથી અનાજની ૧૦૭ બોરીની આવક થવા પામી હતી. તેમજ ગંજમાં આવનાર તમામ ખેડૂતો અને વેપારી તેમજ મજુરોને માસ્ક વગર પ્રવેશવાની મનાઇ કરાઇ હતી. જે લોકોને માસ્ક ન હતા તેમને માર્કેટયાર્ડ દ્વારા દરવાજા
ઉપર માસ્ક આપી સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યા હતા. આમ આ ગંજ બજાર ખુલતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.  
 

Download Our B K News Today App



Related News