રાજકોટની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા લેબર વર્ક .

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 12:57:31
  • Views : 226
  • Modified Date : 2021-03-18 12:57:31

    એક તરફ, રાજ્ય સરકાર બાળમજૂરી અટકાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ, સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટની બેડલા પ્રાથમિક સ્કૂલમાં અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે વાસણ સાફ કરાવ્યાં હતાં. હવે આ જ સ્કૂલમાં રેતી-કપચી ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે. બાળકોને પેનને બદલે શાળામાં પાવડો પકડાવી મજૂરીકામ કરાવવામાં આવતું હોવાની વાતથી વાલીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. શાળાના આચાર્ય સમક્ષ કડક પગલાં લેવાઇ એવી માગ કરવામાં આવી રહી છે.

    એટલું જ નહિ, પરીક્ષા પૂર્ણ થયા બાદ અન્ય બેથી ત્રણ વિદ્યાર્થીઓની મદદ લઇ મજૂરીકામ કરાવવામાં આવી રહ્યું હોવાનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં છે, જોકે આ મામલે અધિકારીઓ દ્વારા આચાર્ય સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ઢાંકપિછાડો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાઇરલ થતાં જ ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે. વાલીઓએ પણ આચાર્ય સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.


    આ અંગે સ્કૂલના આચાર્ય જતીન પરમારે જણાવ્યું હતું કે શાળામાં પીવાના પાણીના સ્ટેન્ડ પાસે પેવર બ્લોક પાથરવાનું કામ ચાલી રહ્યું છે. કડિયાની સાથે આવતા મજૂર માઠા પ્રસંગને કારણે રજા પર હતો. આથી મેં અને એક અન્ય શિક્ષકે રેતી-કપચી પાથરવાનું કામ કર્યું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી પણ આવ્યો હતો, જેને ભૂલથી કામ અપાય ગયું હશે એવો બચાવ કર્યો હતો. વિદ્યાર્થીની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરાવવામાં આવી રહ્યાનું સ્પષ્ટ જોવા મળે છે. વિદ્યાર્થીઓ બીમાર પડે તો જવાબદારી કોની એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા છે. વિદ્યાર્થીઓને પેન ઉપાડવાની જગ્યાએ સ્કૂલ દ્વારા પાવડા ઉપડાવી મજૂરી કરાવવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News