રાજયમાં કમોસમી વરસાદના મારથી ખેડૂતોના પાકને નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-07 11:53:01
  • Views : 382
  • Modified Date : 2020-03-07 11:53:01

દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના પંથકના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે.ત્યારે બીજીબાજુ ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં હજુ હળવો વરસાદ પડી શકે છે.જેમાં અમદાવાદ શહેરમાં આંશિક વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું.અમદાવાદમાં મહત્તમ તાપમાન ૨૯ અને લઘુત્તમ તાપમાન ૧૯.૩ રહ્યું હતું.આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહી શકે છે. ત્યારે ફરીએકવાર ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. જેનાથી આગામી ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થનાર નથી. પરંતુ ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.કમોસમી વરસાદને લઇ ખેડૂતોની હાલત ભારે કફોડી બની છે. જેમાં ખાસ કરીને ઘઉં,ચણા,જીરૂ,વરિયાળી સહિતના પાકને બહુ મોટાપાયે નુકસાની થઇ છે. જેમાં તલાલામાં કેસર કેરીના પાકને પણ ભારે નુકસાની થઇ છે. ત્યારે બીજીબાજુ શાકભાજીમાં ડુંગળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે.પરંતુ હવામાન વિભાગ દ્વારા રાજયમાં હજુપણ આગામી ૧૨ કલાક સુધી રાજયના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને રાજયના ખેડૂતઆલમમાં ફરીએકવાર મોટી ચિંતાની લાગણી પ્રસરી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.જેમાં સુરત,વલસાડ,નવસારી,તાલાલા,દીવ અને કોડીનાર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આમ વર્તમાન સમયમાં પાક કાપણીનો સમય હોઈ ઘઉં,ઘાણા,ચણા સહિતનો તૈયાર પાક ખેડૂતોને ખેતરમાં હોવાથી નુકસાનની કફોડી સ્થિતિ બની છે.સૌરાષ્ટ્રના ભાવનગર,દ્વારકા,માંગરોળ અને વેરાવળમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મોડીરાત્રે દીવ,ગીર સોમનાથ,કોડીનાર,તાલાલા,કોડીનાર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતા કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જસદણ અને આટકોટ પંથકમાં ખેતરમાં પડેલા ઘઉં અને જીરૂનો પાક પલળતા ખેડૂતોની પડતાં પર પાટા સમાન પરિસ્થિતિ સર્જાઇ છે.ત્યારે દીવમાં વહેલી સવારે ચાર વાગ્યે વરસાદી ઝાપટુ વરસતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.તાલાલા અને કોડીનાર પંથકમાં કેરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.જ્યારે જસદણ અને આટકોટ પંથકમાં રાત્રે બે વાગ્યે ૧૫ મિનિટ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.આથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.તૈયાર પાકના ઢગલાને ઢાંકવા માટે ખેડૂતોમાં રાત્રે દોડધામ મચી હતી. તેમછતાં ઘઉં,જીરૂ,ચણાનો પાક પલળી ગયો હતો.દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોડી રાત્રીથી પલટો આવ્યો હતો.જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાઇ ગયા હતા.આમ વરસાદી માહોલના કારણે વલસાડમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. બીજીબાજુ  નવસારી અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો હતો.આ પ્રકારે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડા,ખાનપુર,સંતરામપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકયો હતો.આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર નોંધાયો હતો.અરવલ્લીના માલપુર,મેઘરજ સહિતના પંથકોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો.બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાંને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આમ કમોસમી વરસાદને કારણે રાજયના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Download Our B K News Today App



Related News