ઢીમાનું માદેળુ તળાવ ગંદકીમાં ગરકાવ ઃ શ્રધ્ધાળુઓમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:49:15
  • Views : 586
  • Modified Date : 2020-07-09 11:49:15

સુપ્રસિધ્ધ યાત્રાધામ ઢીમામાં આવેલ અને ઐતિહાસિક ધરોહર સમાન પવિત્ર માંદેળુ તળાવ ચારેતરફ ગંદકીમાં ગરકાવ થતા અહીં આવતા લાખ્ખો શ્રધ્ધાળુઓમાં ભારે રોષની લાગણીઓ ફેલાઈ છે.
પવિત્ર યાત્રાધામ ઢીમા ધરણીધર ભગવાનના દર્શનાર્થે આવતા લાખ્ખો શ્રધ્ધાળુઓ ઐતિહાસિક અને અતિપ્રાચીન અને પવિત્ર માંદેળા તળાવના જળને ચરણામૃત તરીકે પીવે છે અને નમન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે ચારે બાજુથી ગંદકી અને કચરો જોઈ શ્રધ્ધાળુઓમાં ભારે રોષની લાગણીઓ ફેલાઈ છે. ચારેબાજુથી આવેલ વિવિધ ધર્મશાળાઓ દ્વારા ગટરો મૂકી ગંદુ પાણી પવિત્ર માંદેળા તળાવમાં છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે ગામમાં ગંદકીના ઢગલા હોવાથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ રહી છે. ત્યારે સત્વરે ગ્રામપંચાયત કચેરી દ્વારા સફાઈ કરાવવામાં આવે તેવી શ્રધ્ધાળુઓ અને ગ્રામજનોની માંગ ઉઠી છે.
એકબાજુ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે યાત્રાધામ ઢીમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે જ ઉકરડાઓ કરેલા હોવાથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે. તો વળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ઢીમા ગ્રામપંચાયતને લેખિત નોટિસ ફટકારી હતી. તેમાં જણાવ્યું હતું કે ગામમાં ભરાયેલ ખાડા ખાબોચિયા, લીકેજ પીવાના પાણીની પાઈપ લાઈનોનું રીપેરીંગ કામ અને જ્યાં ત્યાં કચરો એકઠો નહિ કરવા અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નોટિસ ફટકારી હતી. પરંતુ એક માસથી પણ વધારે સમય વીતવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામનું પશુધન તળાવનું પાણી પીતું હોઈ સત્વરે ઐતિહાસિક માંદેળા તળાવની સફાઈ કરવામાં આવે નહિતર ભવિષ્યમાં કોઈ અઈચ્છનીય ઘટના બનશે તો જવાબદાર કોણ ?? ત્યારે સત્વરે
ગ્રામપંચાયત દ્વારા સફાઈ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News