બનાસકાંઠામાં સોના-ચાંદી માર્કેટમાં મંદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-27 19:58:32
  • Views : 4863
  • Modified Date : 2019-06-27 19:58:32

આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલી તંગદિલીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં મચેલી ઉથલપાથલથી સોનાના ભાવોમાં ભડકો થયો છે. માત્ર દશેક દિવસમાં પ્રતિ દસ ગ્રામે સોનાના ભાવોમાં ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાનો વધારો નોંધાતા બનાસકાંઠામાં સોના ચાંદીના વેપારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે સોનું તેની ચમકને લઈ લોકોમાં મશહૂર છે. પરંતુ અત્યારે સોનાની ચમક લોકોને અંજાવી રહી છે. આંતરાષ્ટ્રીય બજારમાં સોનાના વધતાં જતા ભાવોના પગલે ભારતમાં પણ આજે સોનું ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું છે.  સોનાનો ભાવ આજે ૩૫ હજારની સપાટીને વટાવી ગયો છે. સોનાના ભાવોમાં આવેલી આ ઐતિહાસિક તેજી પાછળ સોના-ચાંદીના વેપારીઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે તેલના મુદ્દે સર્જાયેલી તંગદીલીની અસર સોનાના ભાવો પર જોવા મળી રહી છે. ઈરાન અંગે અમેરિકા વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાતા આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવોમાં જોરદાર વધારો નોંધાયો છે અને તેની અસર સોનાના ઘરેલુ બજારમાં પણ જોવા મળી રહી છે. આમ તો સોના ચાંદીના ભાવ વૈશ્વિક માર્કેટ પર આધાર રાખે છે પણ તેની સીધી અસર છેવાડાના માનવી સુધી થતી હોય છે. બનાસકાંઠામાં પણ અંદાજે ૧૫૦૦ થી વધુ સોના ચાંદીની દુકાનો આવેલી છે. જેમાં હાલ ગ્રાહકો ૫૦ ટકા જેટલા થઈ જતા વેપારીઓ પણ બગાસાં ખાતા નજરે પડી રહ્યા છે . સોના-ચાંદીના વેપારી કાંતિલાલ સોની અને મૂલચંદ સોનીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી સર્જાતી રહેશે ત્યાં સુધી સોનાના ભાવોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. ત્યારે માત્ર બનાસકાંઠામાં જ મંદીના કારણે રોજનું કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. તેવામાં જલ્દી સોના ચાંદીના ભાવ કંટ્રોલમાં આવે અને ફરી માર્કેટ સુધરે તેમ વેપારીઓ ઇચ્છી રહ્યા છે . 


Download Our B K News Today App



Related News