ડીસાના જેનાલ ગામે શૌચાલય કૌભાંડ સામે આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-21 11:36:04
  • Views : 859
  • Modified Date : 2020-06-21 11:36:04

ડીસા તાલુકાના જેનાલ ગામે શૌચાલય બનાવવામાં કોન્ટ્રાક્ટરે ભારે ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે. જોકે આ મામલે સ્થાનિક ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતા તંત્ર સામે અરજદારો રોષે ભરાયા છે.
સરકારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવાનું આયોજન કર્યું હતું. તે પ્રમાણે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે શૌચાલય બનાવી દીધા છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકો પણ સંપૂર્ણ શૌચાલયયુક્ત બની ગયો છે. પરંતુ અનેક જગ્યાએ આજે પણ શૌચાલયમાં
ગેરરીતિઓ થઇ હોવાનું બહાર આવી રહ્યુ છે. ડીસા તાલુકાના જેનાલ ગામમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા એક વર્ષ અગાઉ ૨૦૦ જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી શૌચાલયમાં ભારે ગેરરીતિ આચરી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. સ્થનિક ગ્રામજનોનું માનીએ તો આ ગામમાં બનાવવામાં આવેલ શૌચાલયો મોટાભાગના તકલાદી અને હલકી ગુણવત્તાવાળા બનાવ્યા છે, જેના કારણે એક પણ શૌચાલયનો ઉપયોગ થઈ શકતો નથી. સરકારે આપેલા નાણા વ્યર્થ ગયા છે, મોટાભાગના શૌચાલયોમાં માત્ર એક કૂવો અને તે પણ બે ફૂટ જેટલો બનાવ્યો છે, કેટલાક શૌચાલયોને પતરા નથી નાખ્યા, તો કેટલાકના કુવા જ બનાવ્યા નથી. વળી લાભાર્થીઓ
 રવિયા  કોન્ટ્રાક્ટરને રજૂઆત કરે તો દરેક જગ્યાએ આવા જ શૌચાલય બનાવ્યું હોવાનું જણાવી ભોળા ગ્રામજનોને સમજાવી દેવામાં આવે છે. સરકાર એક તરફ ગ્રામીણ વિસ્તારની મહિલા શૌચાયલ કરવા બહાર ન જાય તે માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ શૌચાલય બનાવવા માટે ફાળવે છે. પરંતુ જેનાલ ગામમાં શૌચાલય સારા ન બનાવી આપ્યા હોવાના કારણે મહિલાઓને શૌચાલય કરવા માટે બહાર જવું પડે છે તેવું ગામલોકોએ કબુલ્યું હતું. આ જેનાલ ગામમાં એક-બે નહી
પરંતુ ૨૦૦ જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે જે દરેકની સ્થિતિ આવી જ છે, જેના કારણે એક પણ શૌચાલયનો ઉપયોગ ગ્રામજનો કરતા નથી. આ સમગ્ર કૌભાંડ મામલે અરજદારોએ વારંવાર રજૂઆત પણ કરી છે તેમ છતાં પણ હજુ સુધી આ મામલે કોઇ જ કાર્યવાહી ન થતા હવે ગ્રામજનો કંટાળ્યા છે. જોકે બીજી તરફ ડીસા તાલુકા વિકાસ અધિકારી અને આ મામલે કોઇ જ ફરિયાદ ન મળી હોવાનું જણાવી રહ્યા છે. શૌચાલય કૌભાંડ મામલે લાભાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીથી લઇ જિલ્લા વિકાસ અધિકારી સુધી અનેક લેખિત ફરિયાદ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ જ તપાસ થઈ નથી અને હવે ઊલટાનું અધિકારીઓને કોઈ જ ફરિયાદ મળી નથી તેમ જણાવી રહ્યા છે. અગાઉ પણ શૌચાલય કૌભાંડમાં ડીસા ટીડીઓ સહિત ૧૮ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે જો અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી જેનાલ ગામમાં તપાસ કરે તો અગાઉની જેમ ફરી એકવાર મોટું શૌચાલય કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News