આકાશી આફત : ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ; હારીજના રોડા ગામમાં મહિલા પર વીજળી પડતાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 12:11:06
  • Views : 255
  • Modified Date : 2022-06-08 12:11:06

આકાશી આફત : ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ; હારીજના રોડા ગામમાં મહિલા પર વીજળી પડતાં મોત

રાજ્યમાં મંગળવારે પ્રી-મોન્સૂન વરસાદે દસ્તક દેતાં ચોમાસું બારણે હોય એવો અનુભવ કરાવ્યો હતો. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. ગઇકાલે હારીજના રોડા ગામમાં વરસાદી ઝાપટાં વચ્ચે વીજળી પડતાં એક મહિલાનું મોત થયાની ઘટના સામે આવી છે. ગઈકાલે અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

મહિલા કુદરતી હાજતે જવા નીકળી હતી
ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસભર કાળઝાળ ગરમી અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં પાટણમાં વારાહીમાં 26 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન વચ્ચે ઘરોનાં પતરાં ઊડવાની સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારે હારીજના રોડા ગામે ખતેરમાં રહેતા વરશુમજી ગણેશજીનાં પત્ની રીમુબેન ઠાકોર સાંજના સમયે કુદરતી હાજતે જવા નીકળ્યાં હતાં. ત્યારે તેમના પર વીજળી પડતાં મોત થયું હતું. મહિલાના મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

ઉત્તર ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદે દસ્તક દીધી
બીજી બાજુ, બનાસકાંઠાના કાંકરેજ-થરા તાલુકાના ભલગામ વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં વાતાવરણ ધૂળિયું બન્યું હતું. પલટાયેલા વાતાવરણના કારણે મુખ્ય 5 શહેરમાં ગરમીનો પારો સવા ડીગ્રી સુધી, તાપમાન 41 ડીગ્રીથી નીચે આવ્યો હતો.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહીં, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.

આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News