ઉપલેટાના ઢાંકમાં સાડા છ, ગોંડલ પંથકમાં ત્રણ ઈંચ વરસાદ: ખેતીપાકને મોટું નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-21 19:04:16
  • Views : 230
  • Modified Date : 2024-10-21 19:04:16

રાજકોટ જિલ્લા સહીત સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ હજુ સટાસટી બોલાવવાનું શરૂ રાખેલ છે. જેમાં ઉપલેટાના ઢાંકમાં બે કલાકમાં સાડા છ ઈંચ તેમજ ગોંડલ વિસ્તારમાં ત્રણ ઈંચ જેવું પાણી પાડી દેતા આ વિસ્તાર જળબંબાકાર બની જવા પામેલ છે.મેઘરાજાની આ ધમાકેદાર બેટીંગના પગલે ખેતીપાકને મોટું નુકશાન થવા પામેલ છે. જેના કારણે ખેડૂતો ચિંતીત બનેલ છે. જેમાં ઉપલેટાના સેવંત્રા ગામના તરૂણનું વીજળી ખાબકતા મોત નિપજેલ હતું.ઢાંક ગામે 2 કલાકમાં સાડા છ ઈંચ વરસાદ થતા ખેડુતોની હાલત દયામય બની ગઈ છે. કપાસ, માંડવી, સોયાબીન જેવા પાકો તૈયાર થઈ ગયા હોય વરસાદ છેલ્લા આઠ દિવસથી પડી રહ્યો છે. જેમાં ગઈકાલે સાડા છ ઈંચ વરસાદ થતા મગફળીના પાથરા પણ પાણીમાં થણાઈ ગયા હતા.કપાસનો પાક નિષ્ફળ જશે એવી ભીતી ખેડુતોમાં સેવાઈ રહી છે ગઈકાલે બપોરના સાડા ત્રણથી સાડા પાંચ વાગ્યા સુધીમાં સાડા છ ઈંચ ગઈકાલે વરસાદ પડી જતા ખેડુતોને મોઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો છે. આ વિસ્તારને વહેલી તકે લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી ખેડુતોની માંગણી છે.ગોંડલ શહેર તાલુકામાં ગત સાંજના ચાર વાગ્યાના સુમારે અચાનક વાતાવરણ પલટાતા આકાશ કાળા ડીબાંગ વાદળોથી ગોરંભાયેલું હતું અને રાત્રી જેવો અંધારપટ સર્જાયો હતો. શહેરમાં છુટા છવાયા ઝાપટા વરસ્યા હતા. રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જયારે તાલુકાના સુલતાનપર રાણસીકી દેવડામાં બેથી ત્રણ ઈચ અને પાંચીયાવદરમાં અઢી ઈચ જેવો વરસાદ વરસી ગયો હતો. ખેડૂતોની ચિંતા વધી હતી સીમ વિસ્તારોમાં મગફળીના પાથરા સહિતનો મોંઘા મુલો માલ વરસાદી પાણીમાં તણાયો હતો.ઉપલેટા થી પાંચ કિલોમીટર દૂર આવેલા હાડફોડીના પુલ ઉપર ગઈકાલે બપોરના સમયે વીજળી પડતા એક પંદર વર્ષના ક્ષત્રિય યુવાનનું મોત થયા નો બનાવ બનેલ છે.આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે રહેતા દેવેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા ઉંમર વર્ષ 15 વાળો યુવક પોતાના મોટરસાયકલ માં હાડફોડી થી સેવંત્રા આવી રહ્યો હતો ત્યારે હાડફોડી નજીક પુલ ઉપર થી પસાર થતો હતો.ત્યારે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા શરૂ થયેલા હતા. આ સમયે દેવેન્દ્રસિંહ મોટરસાયકલ ઉપર આવી રહ્યો હતો ત્યારે મોટરસાયકલ ઉપર વીજળી પડતા દેવેન્દ્રસિંહનું મોત થયેલ હતું આ અંગેની જાણ ઉપલેટામાં થતા ક્ષત્રિય સમાજના આગેવાનોને થતા ઉપલેટા કોટેજ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. 

 

Download Our B K News Today App



Related News