બનાસકાંઠા જિલ્લામાં પડતર માંગણીઓના મુદ્દે શિક્ષકોના ધરણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 11:39:08
  • Views : 452
  • Modified Date : 2019-11-24 11:39:08

બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શિક્ષક સંઘના
શિક્ષકોએ તેમના પડતર પ્રશ્નોના મુદ્દે  ધરણા કર્યા હતા અને જો માંગણીઓ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેમાં પાલનપુર, વડગામ, કાંકરેજ અને અમીરગઢ તાલુકાના શિક્ષકોએ ધરણા કર્યા હતા.
પાલનપુર ઃ પાલનપુરમાં શનિવારે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ તેમના પડતર પ્રશ્નોના મુદ્દે ધરણા યોજ્યા હતા. આ અંગે
શિક્ષકોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, અમારા સાત પડતર પ્રશ્નો અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ તેમના દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. પરિણામે
શિક્ષકોને ભારે અન્યાય થઇ રહ્યો છે. જો આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
અમીરગઢ ઃ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા તથા અન્ય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સંઘર્ષ સમિતીની રચના કરવામાં આવી છે. આ સંઘર્ષ સમિતિની બેઠક તા.૧૮-૧૦-૨૦૧૯ ના રોજ દિલ્હી ખાતે મળી હતી જેમાં આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જે અંતર્ગત અમીરગઢ તાલુકા શિક્ષક સંઘ દ્વારા અમીરગઢ તાલુકા પંચાયત આગળ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી,  છઠ્ઠા પગારપંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી દેશના બધા શિક્ષકો માટે સમાન રૂપે લાગુ કરવી, દેશના બધાજ ફિક્સ પગારદારી શિક્ષકોને એક સરખું વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય નીતિમાં શિક્ષકને હાનિ કરતી બાબતોને દૂર કરવામાં આવે, શિક્ષક લાયકાત માટે લેવાતી પરિક્ષાઓનું પૂર્વ આયોજન કરવું, જેવા મુદ્દાઓ ઉપર માંગ કરવામાં આવી છે. જ્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણ સી. સી.સી. પાસ કર્યા બાદ મળવા પાત્ર તારીખથી ચાલુ કરવું, ૪૨૦૦ નું ગ્રેડ પે ચાલુ રાખવા જેવી માંગણીઓ સરકાર સામે મૂકી હતી. જે માંગણીઓ નહીં સંતોષાય તો  અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સમગ્ર દેશમાં તાલુકા, જિલ્લા અને રાજ્યોથી લઈ રાષ્ટ્રીય લેવલે ધરણા કાર્યક્રમ યોજવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
વડગામ ઃ વડગામ તાલુકાના ૨૦૦ થી વધુ પ્રાથમિક શિક્ષકોએ ઉપસ્થિત રહી શિક્ષકો માટે અન્યાયકારી અને નુકસાનકારક વિવિધ પ્રશ્નોની ઉગ્ર રજૂઆત આવેદનપત્ર દ્વારા  મામલતદારને કરી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષકોના વિવિધ પ્રશ્નો કે જે હજી સુધી સરકારમાં અનિર્ણિત છે તેવા મુદ્દાઓમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તારીખ ૨૫ ૬ ૨૦૧૯ ના રોજથી શિક્ષકોને
પાસે લાયકાત હોવા છતાં શિક્ષકમાંથી કેળવણી નિરીક્ષક તરીકેનું જે પ્રમોશન અગાઉ મળતું હતું તેને રદ કરી તેની સાથે સાથે શિક્ષકોનો પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦ ગ્રેડ પે ને બદલે ૨૮૦૦ ગ્રેડ પે આપવાનો અન્યાયી નિર્ણય કરેલ છે.
આ નિર્ણય સામે શિક્ષકોની ઉગ્ર માંગ છે કે પ્રમોશન નો હક પરત આપો અને તેની સાથે સાથે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં અગાઉની જેમ જ ૪૨૦૦ ગ્રેડ
પે જ આપવો. ૨૦૦૪ પછી નવી વર્ધિત પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજના તાત્કાલિક ધોરણે લાગુ પાડવી, ષ્ઠષ્ઠષ્ઠ પરીક્ષાની મુદતમાં વધારો કરવો, છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરવી, સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં ફરજ બજાવતા શિક્ષકોને એક સમાન પગાર આપવો, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકો માટે હાનિકર્તા બાબતોને દૂર કરવી, તેમજ પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા  શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની સીધી ભરતીની પરીક્ષામાં બેસવા દેવા. આ ધરણા કાર્યક્રમમાં
ઉપસ્થિત શિક્ષકોએ એ પણ નિર્ધાર કર્યો કે જો સરકાર દ્વારા શિક્ષકોના ઉપરોક્ત પ્રશ્નો કે માગણીઓને ધ્યાનમાં નહીં લેવાય તો આગામી દિવસોમાં જિલ્લાકક્ષા, રાજ્યકક્ષા તેમજ રાષ્ટ્રકક્ષાએ સંગઠિત થઈ આક્રમક કાર્યક્રમો યોજવામાં આવશે.
થરા  ઃ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે
શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓને લઈ સરકાર વિરુધ્ધ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચમનભાઈ વાઘેલા અને મંત્રી પ્રાગજીભાઈ પટેલ સહિત
કાંકરેજ તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ જગમાલભાઈ જોષી દ્વારા શિક્ષકો માટેની સમસ્યાઓ વિશે અને પડતર પ્રશ્નો અંગે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કાંકરેજ તાલુકાના પ્રાથમિક શિક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો પોતાના પગે બુટ ચપ્પલ પહેરીને ધરણા કાર્યક્રમમાં બેઠેલા નજરે પડયા હતા. સરકાર સામે રજૂઆત કરવા માટે અને આક્ષેપબાજી કરી હતી. આશરે ૭૦ થી ૮૦ જેટલાં શિક્ષકોએ કાંકરેજ તાલુકા પંચાયત કચેરીથી રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. કાંકરેજ નાયબ મામલતદાર બી.એસ.સોલંકીએ આવેદનપત્ર લઈ સરકાર સુધી પહોંચાડવા ખાત્રી આપી હતી. શિક્ષકો પોતાની માંગણીઓ સંદર્ભે સ્પષ્ટતા કરી હાથમાં
  પોસ્ટર પ્રદર્શન કરી પોતાના હકક માટે દેખાવો કર્યા હતા.

Download Our B K News Today App



Related News