ખેડબ્રહ્મા તથા પોશીના વિસ્તારમાં અપડાઉન કરતા શિક્ષકો શાળામાં સમયસર ન પહોંચતા શિક્ષણ ઉપર માઠી અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 12:16:53
  • Views : 446
  • Modified Date : 2019-12-25 12:16:53

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા તથા પોશીના તાલુકાની અંતરીયાળ આદિવાસી વિસ્તારની ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની
અનિયમિતતાને લઈને અનેક સવાલો લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે. માહિતી
અનુસાર તાલુકાના ગામડાઓમાં નોકરી કરતા શિક્ષકો કયારેય સમયસર ન આવતા હોવાની બુમરાડ ઉઠવા પામેલ છે. આ ઉપરાંત
અપડાઉન કરતા શિક્ષકો શાળાના સમય કરતા અડધો કલાક મોડા આવતા હોવાની તથા શાળા સમય કરતા વહેલા નીકળી જવાના પ્રશ્નો બની રહ્યા છે. ગામડાઓમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે તમામ બાળકો ગરીબ પરિવારના બાળકો છે તેમને આ ગામડાના ભણતર વિના અન્ય શહેરોનું ભણતર પોસાય તેમ નથી. કારણ કે ખેડબ્રહ્મા તથા પોશીના તાલુકો આદિવાસી ટ્રાયબલ તાલુકો હોવાના કારણે અહી આદિવાસી પ્રજાનું વર્ચસ્વ વધુ પ્રમાણમાં છે અને આ લોકો મહેનત મજુરી કરી પોતાનું
ગુજરાન ચલાવી રહ્યા હોવાથી શિક્ષણ માટે શહેરોમાં જઈ શકતા નથી. કે ગામડાઓ કરતા શહેરોના શિક્ષણમાં ખર્ચ વધુ થતો હોવાના કારણે મહેનત, મજુરી કરતા ગરીબ આદિવાસીઓ માટે આ ખર્ચનો ભાર ઉઠાવી શકાય તેમ નથી. આ તાલુકાઓમાં ૧૫૦ કિ.મી.કે તેથી વધુના અંતરેથી શિક્ષકો અપડાઉન કરી રહ્યા છે, જેના કારણે શાળાઓમાં સમયસર હાજરી આપી શકતા ન હોવાના કારણે બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડતી હોવાની તથા તેમનું શિક્ષણ કથળી રહેલ હોવાની લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે.
ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામે અપડાઉન કરતા શિક્ષકોના રહેવાસ માટે કેટલાંય વર્ષ પહેલાં લાખોના ખર્ચે કવાટર્સ
બનાવવામાં આવ્યા છે. પરંતુ આ કવાટર્સ શોભાના ગાંઠીયા સમાન સાબીત થઈ રહ્યા છે.  સરકારના લાખોના ખર્ચે
બનાવેલ આ કવાટર્સ અત્યારે ધુળ ખાઈ રહ્યા  છે. આ બાબતે લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે કે આ કવાટર્સમાં કયા કારણોસર શિક્ષકો રહેતા નથી તથા આ બાબતે તંત્ર કોઈ પગલાં કેમ લેતુ નથી. સ્થાનિક તંત્ર આ અંગે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યુ છે. જિલ્લા શિક્ષણાધિકારી આ બાબતે ત્વરીત પગલાં લઈ ધુળ ખાતા આ કવાટર્સ શિક્ષકોને ફાળવી આપવામાં આવે તો ગરીબ બાળકોને શિક્ષણમાં ન્યાય મળી રહે તેમ છે. અપડાઉન કરતા શિક્ષકો પોતાની નજીકની શાળાઓમાં સમયસર હાજરી આપી શકે તથા શાળામાં સમયસર પહોંચી શકે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા યોગ્ય તપાસ કરી અપડાઉન કરતા શિક્ષકોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.

Download Our B K News Today App



Related News