ગીર ગઢડા કોર્ટનો મહત્ત્વનો ચુકાદો, ગેરકાયદે લાયન શો કરનારા 5 શખસને 3 વર્ષની, એકને 1 વર્ષની કેદ; 10 હજારનો દંડ ફટકાર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 13:02:27
  • Views : 228
  • Modified Date : 2021-03-09 13:02:27

    ગીર ગઢડાના જાખિયામાં 7 જેટલા શખસે સિંહ સમક્ષ મરઘી ફેંકી વિકૃત આનંદ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ વન વિભાગે પોલીસની મદદથી તમામની ધરપકડ કરી હતી. આ કેસમાં ગીર ગઢડા સિવિલ કોર્ટે 7માંથી 6 શખસને સજા ફટકારી છે, જેમાં 5ને 3 વર્ષની અને 1ને એક વર્ષની સજા સંભળાવી છે તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આરોપીની ગીર જંગલમાં આવેલી જમીન ખાલસા કરવાની એક મહિનામાં કાર્યવાહી કરી જમીનનો કબજો કરી કોર્ટને રિપોર્ટ કરવા આદેશ કર્યા છે.

    આ અંગે વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, ગીર-સોમનાથના ગઢડામાં સિંહની પજવણીકાંડમાં કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો, એમાં કોર્ટે આરોપીઓને સજા ફટકારી છે. ગીર ગઢડા કોર્ટે સાત આરોપી પૈકી છ આરોપીને દોષી જાહેર કર્યા હતા, જેમાં એક આરોપીને એક વર્ષની અને પાંચ આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં સિંહના ગેરકાયદે દર્શન કરાવવા માટે સિંહને મુરઘી બતાવીને વિકૃત આનંદ માણવામાં આવતો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં કેસ દાખલ થયો હતો, જેના આધારે કોર્ટે સજા ફટકારી છે.

    બનાવની મળતી વિગત મુજબ, 19 મે 2018ના ઇલ્યાશ અદ્રેમાન હોથએ પોતાને સેટલમેન્ટ વિસ્તારમાં મળેલી જગ્યામાં ગેરકાયદે રીતે લોકોને ભેગા કર્યા હતા. સેટલમેન્ટવાળી જગ્યામાં ગેરકાયદે પ્રવેશ આપી સિંહને મરઘાનું મારણ આપ્યું હતું તેમજ પ્રલોભન આપી શિકારનો ગુનો આચર્યો હતો. ઇલ્યાશ હોથએ સિંહની કુદરતી અવસ્થામાં વિક્ષેપ પાડ્યો હતો તેમજ પ્રલોભન આપી સિંહની દિનચર્યામાં ભંગ કર્યો હતો.આ ઉપરાંત રવિભાઇ કાંતિભાઇ પાટડિયા (અમદાવાદ), દિવ્યાંગ ઘનશ્યામભાઇ ગજ્જર (અમદાવાદ), રથિન અનિલભાઇ પોપટ (અમદાવાદ), માંગીલાલ ગમીરા મીના (રાજસ્થાન, હાલ ભોજદે- તાલાલા)ને ગેરકાયદે સિંહ દર્શન માટે સગવડતા પૂરી પાડી રૂપિયા મેળવ્યા હતા તેમજ ગેરકાયદે સિંહની પજવણીની વૃત્તિ પણ કરી હતી. આ તમામ લોકોની વન વિભાગ દ્વારા અટક કરવામાં આવી હતી.

    ગીરના સાવજોની પજવણી સાથે ગેરકાયદે લાયન શો મામલે કોર્ટે પણ ગંભીર નોંધ લઈ આકરું વલણ અખત્યાર કર્યું છે. ગુનેગારોને કેદની સજા ઉપરાંત જમીનમાલિક વિરુદ્ધ આકરી કાર્યવાહી હાથ ધરવા આદેશ કર્યા છે, જે અંતર્ગત ગીર અભયારણ્યમાં વર્ષો પૂર્વે જમીનમાલિકોને સેટલમેન્ટની જમીન ફાળવવામાં આવી હતી, એ મુજબ આ કામના મુખ્ય આરોપી નં. 1 ઈલ્યાશ અદ્રેમાન હોથના વડવાઓને ફાળવવામાં આવી હતી. ગીર અભયારણ્યમાંના બાબરિયા રેન્જ ફોરેસ્ટમાં આવેલા ઘૂંબક વિસ્તારમાંની સેટલમેન્ટવાળી જમીન ખાલસા કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ સાથે ગીર-સોમનાથ જિલ્લા કલેક્ટરને એક માસમાં કાર્યવાહી કરી કબજો મેળવી કોર્ટને રિપોર્ટ કરવા આદેશ કર્યો છે.

    ​​​​​​​અત્રે નોંધનીય છે કે ગીર અભયારણ્ય વિસ્તારમાં આવેલી સેટલમેન્ટની જમીનોમાં અમુક લોકો દ્વારા ગેરકાયદે લાયન શો યોજી આર્થિક ઉપાર્જન કરતા હોવાની સાથે સિંહોની પજવણીનો વિકૃત આનંદ મેળવતા હોવાની છાશવારે ફરિયાદો ઊઠી રહી છે, ત્યારે ગીર ગઢડા કોર્ટના મહત્ત્વપૂર્ણ ચુકાદા સાથે ગેરકાયદે લાયન શો કરનારા તત્ત્વો પર કડક કાર્યવાહીનો સંદેશ હોવાનું જાણવા મળી રહ્યું છે.


Download Our B K News Today App



Related News