સિદ્ધપુર-વડગામમાં 9 મીમી વરસાદ સાથે માર્ચમાં માવઠું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 11:46:02
  • Views : 355
  • Modified Date : 2020-03-06 11:46:02

રાજસ્થાનમાં સર્જાયેલી અપરએર સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુરૂવારે ઉ.ગુ.માં મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા.જેમાં સિધ્ધપુર અને વડગામમાં 9-9 મીમી અને પાલનપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો.આમ મહેસાણા, બહુચરાજી,વડનગર, વિસનગર, વિજાપુર,પાટણ, સમી,ચણસ્મા, સરસ્વતિ,ધાનેરા,થરાદ,વાવ,ભાભર,સુઇગામ અને ડીસા સહિતના પંથકમાં છુટાછવાયા ઝાપટાં પડ્યા હતા.જેના પગલે કૃષિ નિષ્ણાંતોના મત્તે ઉત્તર ગુજરાતમાં જે સ્થળોએ પવન સાથે કમોસમી વરસાદ થયો છે તે વિસ્તારના જીરૂ,ઇસબગુલ,વરીયાળી,ઘઉં અને દિવેલાના પાકના દાણા ખરી પડવાની સાથે હવામાં ભેજ વધી જવાથી જીરૂ અને ઇસબગુલમાં કાળીયો અને ચરમીના રોગ તેમજ વરીયાળીમાં કાળીયો રોગ લાગવાની શક્યતા વધતી જોવા મળે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદના કારણે હવામાં ભેજ વધ્યો છે.જેના કારણે શુક્રવારે સવારે કેટલાક સ્થળોએ ઝાકળ વર્ષા થવાની શક્યતા છે.આ સાથે આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં સામાન્ય વધારો થઇ શકે છે. આમ ઉત્તર ગુજરાતમાં વર્ષ 2010થી અત્યાર સુધીના 10 વર્ષમાં ચોથી વખત માર્ચ મહિનામાં માવઠું થયું છે.આ 10 વર્ષમાં 2010,2014 અને 2015 બાદ ચાલુ સાલે માવઠું થયું છે. જેમાં અત્યાર સુધીમાં વર્ષ 1960ની 22 માર્ચે સૌથી વધુ પોણા ચાર ઇંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો.

Download Our B K News Today App



Related News