ચોકાવનારો કેસ : ન સ્ટેરોઇડ લીધું, ન ઓક્સિજન સપોર્ટ; છતાં પણ 2 દિવસની અંદર દૃષ્ટિ જતી રહી અને આંખ બહાર આવવા લાગી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 16:48:14
  • Views : 452
  • Modified Date : 2021-05-23 16:48:14

    બિહારના આરા જિલ્લાના એક ગામની મહિલાને 20 દિવસ પહેલા તાવ આવ્યો હતો. તે સમયે સ્થાનિક મેડિકલ શોપમાંથી દવાઓ લઈને મહિલા સાજી થઈ હતી. આ સમયે મહિલામાં કોરોના કે અન્ય બીમારીના લક્ષણ ન જણાતા, તેણીએ હોસ્પિટલ જવાનું કે ડૉકટરની સારવાર લેવાનું માંડીવાળ્યું હતું. પરંતુ અચાનક 2 દિવસ પછી મહિલાના ચહેરા પર સોજો આવ્યો અને અસહ્ય દર્દ પણ થવા લાગ્યો હતો. ધીરે-ધીરે મહિલાની ડાબી આંખ બહાર આવવા લાગી હતી અને દેખાતું પણ બંધ થઈ ગયું હતું. જેથી મહિલાએ તાત્કાલિક સારવાર મેળવવા માટે સ્થાનિક ડૉકટરની મુલાકાત લીધી હતી. ત્યાં ડૉકટરોએ મહિલાનું CT સ્કેન કર્યું હતું જેમાં સામે આવ્યું હતું કે તેઓને બ્લેક ફંગસની બીમારી છે. ડૉકટરોએ તાત્કાલિક ધોરણે મહિલાને સારવાર અર્થે AIIMSમાં મોકલ્યા હતા.

    આરાની કૌશલ્યા સમય હોસ્પિટલમાં મહિલાની સારવાર કરનાર ડૉકટર અખિલેશ સિંહે કહ્યું હતું કે આ કેસ તદ્દન જુદો હતો, મહિલાને કોઈ ગંભીર બીમારી પણ નહોતી કે પછી એમનામાં બ્લેક ફંગસના લક્ષણો પણ નહોતા જણાયા. મહિલાને 2 દિવસની અંદર ડાબી આંખમાં દેખાતુ બંધ થઇ ગયું હતું અને પછી આંખ બહાર આવવા લાગી હતી. આ તમામ લક્ષણો બ્લેક ફંગસના હોવાથી CT સ્કેન કરીને અમે રોગની પુષ્ટી કરી હતી.

    વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો કોઈ દર્દી કોરોનાથી અમુક દિવસો પહેલા જ સાજો થયો હોય તો તેને આ રોગથી બચવા માટે ખાસ તકેદારી રાખવી પડશે. જેમાં દર્દીએ રોગપ્રતિકાર શક્તિ વધારવી પડશે અને શુગર તથા બ્લડ પ્રેશરથી પિડાઇ રહેલા દર્દીએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ખાવા-પીવા અને કસરત કરવામાં પણ ધ્યાન રાખવું પડશે.

    કોરોના કે અન્ય કોઈ બીમારી ન હોય તેવા લોકોમાં પણ બ્લેક ફંગસના લક્ષણો અંગે ડૉકટર્સે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ હોવા છતાં ઘણીવાર લક્ષણો સામે આવતા નથી. તેવામાં દર્દીઓને વધુ જોખમ હોય છે. આવા સમયે કોઈપણ પ્રકારના બીમારીના લક્ષણો સામે આવે તો અવશ્ય ડૉકટરની સલાહ લેવી જોઇએ. શરૂઆતના તબક્કામાં બીમારી પકડાઇ જાય તો સારવાર ઘણી સરળ રહે છે.


Download Our B K News Today App



Related News