જીવજંતુઓથી ખદબદતી બીમાર ભિક્ષુક વૃધ્ધાની વ્હારે આવી સેક્ટર-૭ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-21 11:26:16
  • Views : 378
  • Modified Date : 2020-04-21 11:26:16

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડી રહ્યા છે. કોરોના સામેના જંગમાં લોકડાઉન એકમાત્ર અસરકારક ઉપાય હોવાથી લોકો પોતપોતાના ઘરમાં જ રહે એ માટે ગુજરાતનાં પોલીસકર્મીઓ ૨૪ કલાક ખડેપગે રહીને લોકડાઉનનું કડકપણે પાલન કરાવી રહ્યા છે. સંકટના આ સમયમાં ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ ઇન્સ્પેકટર જે. બી. સિંધવ તેમજ તેમના પોલીસ સ્ટાફની ફરજનિષ્ઠાનો એક કિસ્સો જાણીને પોલીસના જવાનો પ્રત્યેની તમારી માન્યતા બદલાઈ જશે. પોતાના નિજી જીવન અને પારિવારિક વ્યવહારોનો વિચાર કર્યા વિના લોકોની સુરક્ષા અને લોકડાઉનના ચુસ્તપણે અમલ માટે કર્તવ્યરત આવા ગાંધીનગર સેકટર-૭ પોલીસની ટીમ સાચી કોરોના વોરિયર્સ છે.
કોરોના મહામારીનો ચેપ
પોતાને ના લાગી જાય એ માટે તમામ લોકો તકેદારીના પગલા લઇ રહ્યા છે. માનવી એકબીજાની નજીક જતા પણ હાલના સંજોગોમાં ડરી રહ્યો છે. તેમાંય સ્થિતિ એવી છે કે સિવિલ હોસ્પિટલ ખાતે જવાનું આવે કે ભલભલાના બે ઘડી શ્વાસ થંભી જતા હોય છે. આવા સંજોગો વચ્ચે ગાંધીનગર સેક્ટર-૭
પોલીસ ઈન્સ્પેક્ટર જે. બી. સિંધવ, પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એમ. હુદર, હેડ
કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ,
કોન્સ્ટેબલ કોમલબેન, ડિમ્પલબેન પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે  મેસેજ મળ્યો હતો કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડ બહાર એક વૃધ્ધ મહિલાની હાલત ગંભીર છે. આટલો મેસેજ મળતા જ પોલીસ ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવ સ્ટાફના માણસો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. સિવિલ
પહોંચતા જ જાડીઓમાં ભિક્ષુક જેવી વૃદ્ધા થરથર કાંપતી હતી. બીમારીના કારણે ઘણા દિવસોથી જાડીઓમાં પડી રહેવાથી તેની આંખો સહિત સમગ્ર શરીર પર કીડીઓ જીવજંતુઓ ફરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પણ હચમચી ગઈ હતી.
 બનાવ સ્થળે પહોચીને ક્ષણભરનો વિલંબ કર્યા વિના ઇન્સ્પેકટર સિંધવે વૃધ્ધ મહિલાને સારવાર કરાવા માટે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો જ્યાંથી એક મહિલા ડોક્ટર તાબડતોડ દોડી આવી પ્રાથમિક સારવાર કરી વૃદ્ધ મહિલાને વધુ સારવાર માટે સિવિલમાં લઈ જવાની વાત કરી હતી. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કીડીઓ જીવજંતુઓથી લથબથ ભિક્ષુક મહિલાને ઊંચકીને સ્ટ્રેચર પર કોણ મૂકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. પરંતુ હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહે ક્ષણભર પણ
પોતાની પરવા કર્યા વિના તુરંત વૃધ્ધ મહિલાને ઊંચકી લઈ સ્ટ્રેચર પર મૂકી હતી. સિવિલમાં તબીબે સારવાર કરતા વૃદ્ધ મહિલાને એકસોથી વધુ તાવ તેમજ ડાયાબીટીસ પાંચસોથી વધુ જણાઈ આવ્યું હતું. જેની સારવાર કર્યા બાદ આ ભિક્ષુક વૃધ્ધાને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના હાહાકાર વચ્ચે એક વૃધ્ધ મહિલાની સારવાર કરાવી સરાહનીય કામગીરી કરાવનાર એવા ગાંધીનગર સેક્ટર-૭ પોલીસ ઈન્સ્પેક્ટર સિંધવ, ઈન્સ્પેક્ટર હુદર, હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ કોમલબેન, ડિમ્પલબેન જેવા સાચા  કોરોના વોરિયર્સને સલામ.

Download Our B K News Today App



Related News