ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે, ધોરણ 9થી 12ના વર્ગો કેન્દ્રની SOP પ્રમાણે શરૂ થશે, વાલીઓએ પોતાની જવાબદારીએ બાળકોને સ્કૂલે મોકલવાનાં રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-11 13:45:54
  • Views : 571
  • Modified Date : 2020-11-11 13:45:54

          ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ ખૂલશે. ધોરણ 9થી 12 કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શરૂ થશે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે 23મી નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણકાર્ય શરૂ કરાશે. ભારત સરકારની SOPનું પાલન કરવામાં આવશે, જ્યારે ફાઇનલ યરની કોલેજો પણ 23મી નવેમ્બરથી શરૂ કરાશે.સ્કૂલ-કોલેજો શરૂ કરવા અંગે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતાં ભૂપેન્દ્રસિંહે ચૂડાસમાએ જણાવ્યું હતું કે દરેક વાલીએ સ્કૂલને સંમતિ પત્ર આપવો પડશે કે મારી જવાબદારી પર મારા બાળકને સ્કૂલે મોકલું છું.રાજ્ય સરકારની આ નીતિ જોતાં કોરોનાકાળમાં સરકાર કે સ્કૂલ-સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે.ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબું રાખવા માગે છે. સામાન્ય સંજોગોમાં પહેલું સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનું હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પૂર્ણ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન દિવાળીના બે-ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે, પણ આ વખતે કોરોનાને કારણે કાર્યક્રમ બદલાયો છે.બીજું સત્ર 150થી 155 દિવસનું હશે, કારણ કે આગળના સત્રમાં જે સમય બગડ્યો છે એની ભરપાઈ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે, એ જોતાં એ પછીના પાંચ મહિના મતલબ કે મેના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં દિવાળી વેકેશન બે અઠવાડિયાં વહેલું 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News