વડગામના માનપુરામાં ગૌચરના દબાણ દૂર કરવાનો ટીડીઓનો આદેશ પંચાયતના સત્તાધીશો ઘોળીને પી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 11:19:32
  • Views : 302
  • Modified Date : 2020-12-04 11:19:32

વડગામ તાલુકાના માનપુરા ગામમાં ગૌચરમાં થયેલા દબાણ અંગે જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ વડગામ ટીડીઓએ  માનપુરા પંચાયતના સત્તાધીશોને ગૌચરના દબાણો દૂર કરવા આદેશ કર્યો હતો. જેને ત્રણ માસ થવા છતાં દબાણો ના ખસેડાતા અરજદારે ઉપવાસ ઉપર બેસવાની ચિમકી આપી છે.
વડગામ તાલુકાના માનપુરા ગામે ઘણા સમયથી ચાલતા અણઘડ વહિવટ સામે ગામના  નાગરિક નુરમહંમદ પીરમહંમદ કરેડીયા તથા પંચાયતના જ સભ્ય લીયાકતભાઈ વજીરભાઈ પ્રાસલાએ આક્ષેપો કર્યા છે. જેમાં અગાઉ માનપુરા ગામનાં ગામતળ તથા ગૌચરમાં દબાણ અંગેે કલેકટરને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં તાલુકા પંચાયત દ્વારા સરપંચ અને તલાટીને તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ દબાણ દૂર કરવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
પરંતુ અધિકારીઓની મીલીભગતના કારણે ત્રણ મહિનાથી આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં ગામતળ તથા ગૌચરમાં થયેલા દબાણમાં  સિન્ધી ગફુરભાઈ અબ્દુલભાઈએ કોઈ પણ જાતની પરમિશન વગર ગૌચરની જમીનમાં બે વીઘા જેટલી જમીન પર કબ્જો કરી કબ્રસ્તાન બનાવી દિધુ છે.  તથા વાલ્મિકી અમરતભાઈ નાથાભાઈએ ગૌચરમાં શેડ ઉભો કરી દબાણ કર્યુ છે.
માનપુરાના ગૌચરમાં આવેલું કુડાળીયુ તળાવની જગ્યામાં
પટણી સમાજના લોકો દ્વારા બિન અધિક્રૃત રીતે ખેતર બનાવી દઈ દબાણ કરાયું છે.  અને ગામતળમાં ભેંસોના તબેલા બનાવી મળ-મુત્ર ગામની ગટર લાઈનમાં જોડાણ આપી દેતા ગટરોની ચેમ્બરો ઉભરાઈ દુર્ગંધ ફેલાઈ રહી છે. અને  મહામારી ફેલાવવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે. ત્યારે જિલ્લા તંત્ર અને તાલુકા વહીવટી તંત્રના હુકમોને પંચાયતના સત્તાધીશો ઘોળીને પી જતાં પંચાયત તંત્ર ઉપર કેમ કોઈ કાર્યવાહી થતી નથી. જ્યારે પંચાયતના સભ્યોના પણ દબાણ હોવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો. ત્યારે આ દબાણો દૂર નહીં કરાય તો અરજદારે ઉપવાસ ઉપર બેસવાની ચિમકી આપી હતી. જ્યારે ગામના તળાવમાં ચાલી રહેલા ઈંટવાડા માટે પંચાયતના સભ્યોને પંચાયત દ્વારા કરાયેલા ઠરાવથી અંધારામાં રાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે કોની રહેમ નજર હેઠળ આ ઈંટવાડો ચાલી રહ્યો છે તે અંગે તંત્રએ તપાસ કરવાની જરૂર છે.

Download Our B K News Today App



Related News