ડાંગીયા ખાતે બનાસ ડેરીના બિનહરીફ ડિરેક્ટરોનો સન્માન સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 10:54:25
  • Views : 2789
  • Modified Date : 2020-10-11 10:54:25

બનાસ ડેરીના બિનહરીફ નવનિર્વાચિત ડિરેક્ટરોનો સન્માન સમારંભ દાંતીવાડા તાલુકાના ડાંગીયા ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાના મતદારો, દૂધ ઉત્પાદકો, સહકારી અને સામાજિક આગેવાનોનો આભાર પ્રગટ કરતાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આવનારા ભવિષ્યમાં નવા આયામો થકી બનાસ ડેરીને સફળતાના સર્વોચ્ચ શિખરે
પહોંચાડવાનો સંકલ્પ કરતાં જણાવ્યું હતું કે એક જ વર્ષના ગાળામાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ગોબરગેસ પ્લાન્ટ કાર્યરત કરવા છે. બનાસના ઘઉંમાથી આટો બનાવી તેનું
પેકિંગ કરી બજારમાં વેચાણ અર્થે મૂકવું છે. દોઢ વર્ષમાં દિયોદર ખાતેનો ડેરી પ્લાન્ટ અને બટાકાનો પ્લાન્ટ કાર્યરત કરવો છે. ગાય અને ભેંસની દૂધની ઉત્પાદકતા વધારવાનું કામ કરવું છે. ગોબરની સાથે ગાયના મૂત્રની પણ આવક
પશુપાલકને મળે તેવું કરવું છે. જમીન વિહોણા લોકો પણ
પશુપાલન કરી શકે તે માટે હાઈડ્રોપોનિક્સ ઘાસચારો
ઉત્પન્ન કરવો છે. એટલું જ નહીં ઇઝરાયેલી પદ્ધતિથી સામૂહિક ખેતી દ્વારા તમામ પાકોમાં વેલ્યુએડિશન થકી જિલ્લાનો ખેડૂત સુખી થાય અને ગામડું સ્વર્ગ બને તે માટેના સંકલ્પો સિદ્ધ કરવા છે. બનાસડે રીની ચૂંટણી બિનહરીફ થવાનો યશ જિલ્લાના પશુપાલકોને આપતા તેમણે જણાવ્યું કે જિલ્લાના
પશુપાલકોએ બનાસડેરીને સમરસ કરીને સમરસતાનો સંદેશ આખા દેશને આપ્યો છે. પરિણામે, બનાસવાસીઓનું ગૌરવ વધ્યું છે.
તેમણે જણાવ્યું કે રોજના ૭૦ લાખ લીટર દૂધનો અવેર કરી શકે તેવી બનાસ ડેરીના કર્મયોગીઓની દેવદુર્લભ ટીમ અને સાથે સાથે ઉર્જાવાન નિયામક મંડળના સથવારે બનાસ ડેરી આવનારા સમયમાં એશિયામાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં નામ રોશન કરશે. તેમણે દેશ અને દુનિયામાં મળતી શ્રેષ્ઠ તાલીમ વડે કર્મયોગીઓની કાર્યશક્તિ વધે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સહિત જિલ્લાભરના આગેવાનો, દાંતીવાડા તાલુકાના સહકારી આગેવાનો, દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News