કેસર કેરીના શ્રીગણેશ:ગોંડલ યાર્ડમાં 400 બોક્સની આવક, 10 કિલો બોક્સનો ભાવ 1100થી 1751 રૂપિયા બોલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:55:21
  • Views : 565
  • Modified Date : 2022-04-03 11:55:21

કેસર કેરીના શ્રીગણેશ:ગોંડલ યાર્ડમાં 400 બોક્સની આવક, 10 કિલો બોક્સનો ભાવ 1100થી 1751 રૂપિયા બોલાયો

 

સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા શાકભાજી અને ફ્રૂટ માર્કેટ યાર્ડમાં આજે સીઝનની મીઠી મધુર અને ફળોની રાણી ગણાતી કેસર કેરીની આવકના શ્રીગણેશ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરીની આવક 3થી 4 દિવસ મોડી થઈ છે. આજે કેસર કેરીની પ્રથમ હરાજી થઈ હતી. જેમાં વેપારીઓએ ખરીદવા માટે પડાપડી કરી હતી. ગત વર્ષે કેસર કેરીના 10 કિલોના ભાવ 800થી 1400 રૂપિયા મળ્યા હતા. જ્યારે આ વર્ષે કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ 1100થી 1751 રૂપિયા સુધી મળ્યા હતા. આજે 400 બોક્સની આવક થઈ છે.

આ વર્ષે કેરીના ભાવ ઉંચા રહેશે
કેસર કેરીની સીઝનની શરૂઆતથી જ સ્વાદપ્રેમીઓ માટે ગત વર્ષ કરતા આ વર્ષે કેરીના ભાવ ઉંચા જોવા મળી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે કેરી થોડી મોંઘી રહે તેવું વેપારીઓનું કહેવું છે. તાઉતે વાવાઝોડાના કારણે કેરીનો પાક ખરી જવાથી આ વર્ષે ભાવ ઉંચા રહે તેવી પણ શક્યતા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની સીઝનની પ્રથમ આવક સારી એવી જોવા મળી છે.

આગામી દિવસોમાં કેરીની આવક વધશે
ગોંડલ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થાય છે. કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. ગોંડલના વેપારી સુનિલભાઇ કાછડિયાએ જણાવ્યું હતું કે, આજે કેસર કેરીની પહેલી હરાજી હતી. 400 બોક્સની આવક થઈ છે. ભાવ નીચામાં 1100થી 1200 અને ઉંચામાં 1751 રૂપિયા બોલાયા છે. ગત વર્ષ કરતા કેરીની આવક 3થી 4 દિવસ મોડી છે. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવ પ્રથમ હરાજીમાં જ ઉંચો બોલાયો છે.

આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળી રહેશે
મોરબીના વેપારી અરવિંદભાઇ ચાવડિયાએ જણાવ્યું હતું કે, હું દર વર્ષે ગોંડલથી કેસર કેરીની ખરીદી કરવા આવું છું. આજથી ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરીની આવકની શરૂઆત થઈ ચૂકી છે. આજે ઉંચામાં 1751 રૂપિયા સુધી ભાવ બોલાયા છે. આ વર્ષે ખેડૂતને સારા ભાવ મળી રહેશે. ગોંડલના વેપારી દિવ્યેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે, ઉંચામાં 1751 રૂપિયા ભાવ બોલાયો છે. ગોંડલમાં 400 બોક્સની આવક છે. કેસર કેરી પણ ક્વોલિટીવાળી આવી છે.

Download Our B K News Today App



Related News