દિવાળીના તહેવારોમાં ભેળસેળની આશંકાને લઈને ડીસામાં ફૂડ વિભાગની સઘન તપાસ હાથ ધરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-28 11:44:25
  • Views : 665
  • Modified Date : 2020-10-28 11:44:25

બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે ફુડ વિભાગે ખાદ્ય તેલોનું ઉત્પાદન કરતી તેલ મિલો અને વેપારીઓને ત્યાં સઘન તપાસ હાથ ધરી હતી. તહેવારોની સિઝન આવતા જ ખાદ્ય તેલોમાં મોટાપાયે ભેળસેળની શક્યતા દેખાતા અને કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલોમાં ભેળસેળ રોકવા માટેની સુચનાઓ મળતા ફૂડ વિભાગ સતર્ક બન્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શંકાસ્પદ અને ડુપ્લિકેટ વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને ડીસા શહેરમાં તમામ બ્રાન્ડેડ કંપનીના તેલ અને બ્રાન્ડેડ કંપનીનું ઘી
શંકાસ્પદ રીતે ભેળસેળ કરી વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. વેપારીઓ નજીવા
પૈસા કમાવાની લ્હાયમાં જગતના તાત કહેવાતા ખેડૂતોને પણ છોડતા નથી. ખેતરમાં ખેડૂતો પોતાની ખેતીમાં નાખતા બિયારણમાં પણ વેપારીઓ શંકાસ્પદ બિયારણ આપી ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આમ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ વસ્તુઓની ફરિયાદ ગાંધીનગર ખાતે નોંધાતા મંગળવારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આવા તત્વોને ત્યાં તપાસ હાથ ધરી હતી.
જેમાં ડીસામાં મોટાપાયે ખાદ્યતેલ તેમજ શંકાસ્પદ ઘીનો કારોબાર વકર્યો છે. રાજસ્થાનને અડીને જિલ્લો આવેલો હોવાથી ખાદ્યતેલ અને ઘી મોટા પ્રમાણમાં રાજસ્થાન અને ગામડાઓમાં સપ્લાય થાય છે. જેનો લાભ ઉઠાવી આવા તત્વો
મોટાપાયે ખાદ્યતેલ અને ઘીમાં કથિત રીતે ભેળસેળ કરતા હોય છે. તહેવારોની સિઝનમાં બદી વધુ વકરે છે અને તેના કારણે જિલ્લા ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ડીસાની કેટલીક તેલ મીલ પર તપાસ હાથ ધરી ખાદ્યતેલના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જિલ્લા પુરવઠા વિભાગની આ કાર્યવાહીની જાણ વાયુવેગે ડીસાની બજારોમાં પહોંચી જતા કેટલાક વેપારીઓ પોતાની દુકાનના શટર પાડી રવાના થઈ ગયા હતા. દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે લોકો બજારોમાંથી મીઠાઈઓની સૌથી વધુ ખરીદી કરતા હોય છે. જેથી તહેવારોમાં લોકોનું આરોગ્ય બગડે નહીં અને ખરાબ તેલની વસ્તુઓ લોકો આરોગે નહીં તે માટે ફૂડ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેના પગલે ખાદ્ય તેલનું ઉત્પાદન કરતી ઓઇલ મિલોના માલિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

Download Our B K News Today App



Related News