સાબરકાંઠા: સૌથી વધારે હિંમતનગરમાં વરસાદ, ચાર તાલુકામાં હળવો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-03 12:17:33
  • Views : 69
  • Modified Date : 2024-07-03 12:17:33

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામવાને લઈ સ્થાનિકોમાં આનંદ વ્યાપ્યો છે. રવિવારથી શરુ થયેલ વરસાદી માહોલ બુધવાર સવાર સુધી જળવાઈ રહ્યો છે. જિલ્લામાં અંતિમ 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ સારો વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ વિસ્તારના ખેડૂતો પણ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા.રવિવારે અને સોમવારે સારો વરસાદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસ્યા બાદ અંતિમ 24 કલાક દરમિયાન પણ વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં વાવણી માટે તૈયારીઓ કરવા માટે જે પ્રમાણે જરુરી હતો એ મુજબ જ વરસાદ વરસવાને લઈ મોટી રાહત સર્જાઈ છે.સતત બીજા દિવસે પણ હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. હિંમતનગરના ગાંભોઈ, આગીયોલ, બેરણાં, કાંકણોલ, હડીયોલ અને ગઢોડા તેમજ હાજીપુર પંથકમાં સારો વરસાદ નોંધાયો હતો. વિસ્તારના ખેડૂતોને હવે ચોમાસુ પાકની વાવણી કરવાને માટે વરસાદી માહોલથી હવે રાહત થઈ છે. હિંમતનગરમાં પોણા બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. એટલે કે 43 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સિઝનનો કુલ વરસાદ હિંમતનગરમાં સાડા ચાર ઈંચ જેટલો નોંધાયો છે. એટલે કે 117 મિલીમીટર જેટલો વરસાદ મંગળવાર સવાર સુધી નોંધાયો છે.આ ઉપરાંત પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં પણ રવિવારથી શરુ થયેલ વરસાદી માહોલ મંગળવાર સવાર સુધી જળવાઈ રહ્યો હતો. ઝરમર ઝરમર વરસાદ વિસ્તારમાં સતત વરસતો રહ્યો હતો. બંને તાલુકાઓમાં દોઢ-દોઢ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ તાલુકામાં 36 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે તલોદ તાલુકામાં 39 મિલીમીટર વરસાદ મંગળવારે સવારે 6 કલાક સુધીના અંતિમ 24 કલાક દરમિયાન નોંધાયો હતો. ખેડબ્રહ્મામાં પણ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં અંતિમ ચોવીસ કલાક દરમિયાન હળવો વરસાદ નોંધાયો હતો.સાબરકાંઠામાં અન્ય ચાર તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને ઇડર, વડાલી, પોશીના અને વિજયનગર તાલુકાઓમાં વરસાદ હળવો રહ્યો હતો. ખાસ કરીને આ ચારેય તાલુકામાં 10 મિલિમીટર કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. જોકે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસવાને લઈ રાહત રહી હતી.જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મંગળવારની મોડી રાત્રી બાદ વરસાદ ધોધમાર વિસ્તારમાં શરુ થવાને લઈ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય રાત્રીના અરસા દરમિયાન ધોધમાર વરસાદ મોડાસામાં તૂટી પડ્યો હતો. જેને લઈ મોડાસા શહેરના અનેક વિસ્તારોના નીચાણવાળા સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. મેઘરજમાં એક ઈંચ જેટલો, ભિલોડા અને ધનસુરામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

 

Download Our B K News Today App



Related News