સાબરકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાની શરુઆતે જ કમોસમી વરસાદ પવન સાથે વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-15 12:00:21
  • Views : 78
  • Modified Date : 2024-03-15 12:00:21

માર્ચ મહિનાની શરુઆતે જ રાજ્યના હવામાનમાં પલટો આવતા અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઇડર અને વડાલી વિસ્તારમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસવાને લઈ ખેતી પાકોમાં નુક્સાન સર્જાયુ હોવાની ખેડૂતોની ફરિયાદો ઉઠી હતી. જેને લઈ ખેતીમાં નુક્સાનનો સર્વે કરવાની માંગ કરવામાં આવી હતી.આ માટે સ્થાનિક ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા આવેદન પત્ર આપીને નુક્સાન સર્વે કરવાની અને ખેડૂતોને વળતર ચુકવવાની માંગ પણ કરવામાં આવી હતી. આ માટે 15 માર્ચ સુધીની સમય મર્યાદા કિસાન સંઘે આપી હતી. પરંતુ ખેતી પાકમાં નુક્સાન અંગેનો સર્વે નહીં થવાને લઈ હવે ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઇને વડાલીમાં રેલી યોજી હતી.કિસાન સંઘ દ્વારા વડાલી બંધનું એલાન જાહેર કરવામાં આવ્યુ હતુ. ખેડૂતોને કમોસમી વરસાદથી નુક્સાન થયાના સર્વેની માંગ સાથે કિસાન સંઘે બંધના એલાનને જાહેર કર્યુ હતુ. આ માટે આ પહેલાથી જ આવેદન પત્ર આપીને ચીમકી આપવામાં આવી હતી. જેને લઈ શુક્રવારે વડાલીના બજારોને બંધ રાખવા માટે ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા અપીલ કરવામાં આવી હતી.વડાલી માર્કેટયાર્ડ સહિત બજારમાં પણ તેની સજ્જડ બંઘની અસર જોવા મળી હતી. માર્કેટયાર્ડમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જ્યારે બજારમાં પણ મોટા ભાગના વેપારીઓએ ખેડૂતોના સમર્થનમાં દુકાનો બંધ રાખીને બંધ પાળ્યો હતો. વડાલીના બજારોએ પણ સજ્જડ બંધ દર્શાવીને ખેડૂતી માંગમાં સમર્થન પૂરાવ્યું હતુ.ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વળતર મેળવવા માટે માંગણી કરવા માટેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ બંધના એલાનને સફળ બનાવવા પ્રયાસ કરીને ખેડૂતોની વાતને સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત હાથ ધરી હતી. ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલી યોજીને સર્વે અને પાક વળતરની માંગના સૂત્રોચ્ચાર કર્યા હતા.ખેડૂતોએ જોકે જો હજુ પણ નુક્સાન સર્વે માટેની તજવીજ હાથ નહીં ધરવામાં આવે તો, આખરે આંદોલન શરુ કરવામાં આવશે એવો પણ સૂર વ્યક્ત કરીને ચીમકી આપી છે. ખેડૂતોના રોષને પગલે વડાલી શહેરમાં અને માર્કેટયાર્ડમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

 

Download Our B K News Today App



Related News