સાબરકાંઠા જિલ્લામાં ૯૫ શતાયુ મતદારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 10:42:11
  • Views : 418
  • Modified Date : 2019-04-03 10:42:11

“વોટ તો આપવો જ જોઈએ ને..!” ઉંમરની સદી વટાવી ચુકેલા શાંતાબા કહે છે કે, “ભઈ મેં તો બધી ચૂંટણીઓમાં મતદાન કર્યુ છે...હાલના લોકો મત આપવા જવાની આળસ કરે છે, એ સારૂ ના કહેવાય...” શાંતાબાના અવાજમાં અનુભવનો રણકો સંભળાય છે. હિંમતનગર તાલુકાના હાંસલપુરના શાંતાબા ઉંમર અને અનુભવની પણ સદી વટાવી ચુક્યા છે. પથારીમાં બેઠા બેઠા પણ લોકોની મતદાન કરવા જવાની આળસ પર આક્રોશ વ્યક્ત કરે છે.  
લોકસભાની ચૂંટણી એપ્રિલ માસમાં યોજાવાની છે.  મહત્તમ મતદાન થાય માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી અને જિલ્લા ચૂંટણી તંત્ર ખડેપગે કામગીરી કરે છે.  મતદાન વધે અને મહત્તમ મતદારો લોકશાહી પ્રક્રિયા વધુ સુદઢ બનાવવા માટે મતદાનની ફરજ અદા કરે તે માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરાય છે. આ માટે ગત માસમાં જાગૃતિ શિબિરો, રેલીઓનું આયોજન તથા પોસ્ટર બેનર વગેરે લગાવાયા છે. જો કે આ પ્રવૃત્તિ હજી પણ ચાલુ જ છે.
સાબરકાંઠા લોકસભામાં સમાવિષ્ટ જિલ્લાની હિંમતનગર, ખ્રેડબ્રહ્મા, પ્રાંતિજ તથા ઈડર એમ ચાર વિધાનસભાના કુલ ૧૦,૧૩,૮૯૩ મતદારો પૈકી   ૯૫ મતદારો શતાયુ છે. ૧૦૦ વર્ષ એટલે કે ઉંમરની સદી વટાવી ચુકેલા આ શતાયુ મતદારોએ બધી ચુંટણીઓમાં મતદાન કર્યુ છે. હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં ૨૮ શતાયુ મતદારો છે. ખ્રેડબ્રહ્મા વિધાનસભા વિસ્તારમાં ૨૭, પ્રાંતિજ વિધાનસભા વિસ્તારમાં ૨૪, તથા ઈડર વિધાનસભા વિસ્તારમાં ૩૬ એમ કુલ મળી કુલ ૯૫ શતાયુ મતદારો છે.  જિલ્લામાં ઈડર વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૩૬ તથા પ્રાંતિજ વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછા ૨૪ શતાયુ મતદારો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે કહે છે કે,  શતાયુ મતદારો આપણું ગૌરવ છે તેમનો જુસ્સો અજે પણ એટલો જ યથાવત છે. આજના યુવા મતદારોએ તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ. જો કે જિલ્લામાં “સ્વીપ” કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો યોજાયા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદારો તેમનો મતદાનનો અધિકાર અદા કરે તે માટે અપીલ કરાઈ છે. આ આપણી સૌની ફરજ
પણ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
હિંમતનગર નજીક
મોતીપુરાના રહેવાસી અને ૧૦૩ વર્ષના રેવાબેન રાવલપણ કહે છે કે, “મતદાન કરીએ તો સારો માણસ ચુંટાય..હું હજી મતદાન કરવા સક્ષમ છુ અને મતદાન કરીશ જ..”આજ રીતે વીરપુરના ૧૦૪ વર્ષીય આશાબેન ખણસુણીયા પણ આજ પ્રકારનો જુસ્સો વ્યક્ત કરતા કહે છે કે, “હું પણ આ વખતે મતદાન તો કરીશ જ... એટલું જ નહી પરંતુ મારા
પરિવાર સમાજના લોકોને પણ અપીલ કરૂ છુ કે મતદાન કરે...” જો કે જિલ્લામાં આ વખતે પ્રથમ વાર મતદાન કરનારા યુવા મતદારોને જાગૃત કરવાના પણ વિશેષ પ્રયાસો કરાયા છે એમ  પ્રવિણા ડી.કે. એ ઉમેર્યુ હતું.


Download Our B K News Today App



Related News