લાખણી તાલુકાના કુવાણા ગામના પરા વિસ્તારના રહીશોએ રોડને લઈને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 11:51:41
  • Views : 450
  • Modified Date : 2019-08-21 11:51:41

ગુજરાત રાજ્યના ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ- પાણી અને આરોગ્ય મળી રહે તેના માટે સંવેદનશીલ સરકાર કટિબદ્ધ છે. પરંતુ ક્યાંક કોઈકની કચાસના કારણે આવી પ્રાથમિક જરૂરિયાતો માટે લોકોએ લાંબા સમય સુધી માંગણીઓ કરવી પડતી હોય છે, જે ગુજરાત સરકાર માટે અશોભનીય છે. ત્યારે લાખણી તાલુકાના કુવાણા ગામના પરા વિસ્તારના અમરપુરા પ્રાથમિક શાળાથી કસળપુરા સુધીનો બે કિલોમીટરનો પાકો રોડ બનાવવા માટે પરા વિસ્તારના રહીશોની માંગણી છે.
અમરપુરા વિસ્તારના ખેતરોમાં આ વિસ્તાર છે. આ વિસ્તારમાં આશરે ૭૦૦ જેટલા લોકો વસવાટ કરે છે અને અમરપુરા પ્રાથમિક શાળા પણ આવેલ છે. અમરપુરા પ્રાથમિક શાળાથી કસળપુરા સુધી જવા માટેનો માર્ગ કાચો અને ધૂળિયો છે તેમજ અમુક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયેલા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવવા-જવા માટે ખુબ હેરાનગતિ થાય છે.
અમરપુરા પ્રાથમિક શાળામાં એકથી પાંચ ધોરણ છે અને વધુ અભ્યાસ માટે આ વિસ્તારના બાળકોને કસળપુરા સુધી ચાલીને જવુ પડે છે. વળી આ વિસ્તારના લોકોને ગામમાં દૂધ ભરાવા માટે તેમજ ઘરવપરાશની સાધન સામગ્રી લેવા માટે પણ કસળપુરા જવુ પડે છે. આ રસ્તો તૂટી જવાથી સાધનની અવરજવર બંધ થઈ જાય છે. લોકો ગાડી, બાઇક, ટ્રેક્ટર લઈને આ રસ્તા ઉપર જઈ શકતા નથી. ચોમાસામાં ખુબ મોટી હાલાકીનો સામનો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. આ બે કિલોમીટરનો રસ્તો બનાવવા માટે આ વિસ્તારના લોકોએ રજૂઆતો કરી હતી પણ જવાબદાર લોકોની લાપરવાહીના કારણે આ રસ્તો આજદીન સુધી બનેલ નથી. જેના કારણે પરા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને ગતરોજ તેમણે લાખણી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને સરકાર સમક્ષ તેમની વ્યથા રજૂ કરી છે સાથે સાથે ખુબ ઝડપથી આ રસ્તો બનાવવામાં આવે તેવી તમને માંગણી કરી છે. આ રસ્તો બનાવવામાં આવે તો આ વિસ્તારના લોકોને અને વિદ્યાર્થીઓને ખુબ મોટો હાંશકારો થશે.

Download Our B K News Today App



Related News