માણસાના ધોળાકુવા પાટીયા પાસે રીક્ષા પલટી જતા મહિલાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:41:37
  • Views : 241
  • Modified Date : 2021-03-10 11:41:37

ગઈકાલે સાંજે વિજાપુરથી ગાંધીનગર તરફ જઈ રહેલા રીક્ષા ચાલકે પોતાનું વાહન
પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી માણસા પાસેના ધોળાકુવા ગામના પાટિયા નજીક કૂતરું રોડ વચ્ચે આવી જતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી અને તેમાં સવાર મહિલા મુસાફરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જે બાબતે માણસા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે શિવાલિક હોમ્સના મકાન નંબર ૧૫ માં છેલ્લા ત્રણ વર્ષથી રહેતા ૫૫ વર્ષિય ગીતાબેન દિનેશચંદ્ર દરજીને મંગળવારે સાંજે ગાંધીનગર ખરીદી માટે જવાનું હોવાથી તેમણે પોતાના પરિચિત અને વિજાપુર તાલુકાના મહાદેવપુરા ગામના વતની સંજયભાઈ પ્રહલાદભાઈ ઠાકોર ને બોલાવ્યા હતા અને તેમની  રીક્ષા નંબર જીજે વાયવાય ૨૬૮૦ લઈને વિજાપુરથી ગાંધીનગર જવા માટે માણસા થઈને પસાર થઈ રહ્યા હતા તે વખતે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે માણસા
પાસેના ધોળાકુવા ગામના
પાટીયા પાસે પહોંચતા રીક્ષા ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રોડ વચ્ચે અચાનક કૂતરું આવી જતા વાહન પર કાબુ ગુમાવ્યો હતો અને રીક્ષા રોડની સાઇડમાં ઉતરી જઇ પલ્ટી ખાઇ ગઇ હતી. જેના કારણે રિક્ષામાં બેઠેલા ગીતાબેનને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજયું હતું જે બાબતની જાણ રિક્ષાચાલકે ઊંઝા ખાતે રહેતા મૃતકના પુત્ર જીતેન્દ્રકુમારને કરતાં તેઓ ગાંધીનગર દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે અકસ્માત સર્જનાર રીક્ષાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News