ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી સરકાર સામે લડત આરંભી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 13:53:37
  • Views : 249
  • Modified Date : 2022-09-19 13:53:37


ડીસામાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે આંદોલનની શરૂઆત; સરકારી કચેરી સુમસામ, દૂર દૂરથી આવેલા અરજદારોને ધરમ ધક્કા

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી સરકાર સામે લડત આરંભી છે. જિલ્લામાં 461 મહેસૂલી કર્મચારીઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી 17 જેટલી પડતર માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતારવાની ચિમકી ઉચ્ચારી છે.

 

17 જેટલા પડતર પ્રશ્નોને લઇને લડત આરંભી
જૂની પેન્શન યોજનાના અમલીકરણ સહિત વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. ત્યારે ડીસા મહેસૂલી કર્મચારી મંડળના આગેવાન ધનજીભાઈ જોશીએ જણાવ્યું છે કે, જુની પેન્શન યોજના સહિતના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળની સાથે બનાસકાંઠા જિલ્લાના 461 જેટલાં મહેસુલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છીએ. મહેસૂલી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગારપ્રથા બંધ કરવી, 7મા પગાર પંચના વિવિધ ભથ્થાની ચુકવણી સહિતના 17 જેટલા પડતર પ્રશ્નોને લઇ આજે રાજ્યની સાથે બનાસકાંઠામાં પણ કર્મચારીઓએ લડત આરંભી છે.

 

ઉપરાંત જો સરકાર નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહેસુલી કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરતા જ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીમાં આવતા અરજદારોને ધક્કા ખાઈને પાછા જવું પડ્યું હતું. જેથી સરકાર કર્મચારીઓ સાથે યોગ્ય નિર્ણય કરી લોકોને ધક્કા ખાવાની હેરાનગતિમાંથી મુક્તિ અપાવે તેવી રજૂઆત કરી હતી.

Download Our B K News Today App



Related News