દાંતીવાડા ડેમમાં એસડીઆરએફ દ્વારા ફ્‌લડ રેસ્ક્યુની મોકડ્રીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 11:02:06
  • Views : 467
  • Modified Date : 2020-06-19 11:02:06

બનાસ નદી પર આવેલ
દાંતીવાડા ડેમમાં ગુજરાત
આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની એસ.ડી.આર.એફ. કંપની દ્વારા ફ્‌લડ રેસ્ક્યુની મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ, આપત્તિના સમયે
વપરાતા સાધનોનું પ્રદર્શન અને દાંતીવાડા ડેમના દરવાજાનું બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ નિરીક્ષણ કરી આગામી ચોમાસાને અનુલક્ષી કરવાની કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
બનાસકાંઠા જિલ્લાએ અગાઉના વર્ષોમાં પૂરની
પરીસ્થિતિનો સામનો કર્યો હતો. ભવિષ્યમાં પણ જિલ્લામાં આવી કુદરતી કે માનવ સર્જીત આપત્તિ સર્જાય તો કેવી રીતે ખુબ
ઝડપથી બચાવ અને રાહતની કામગીરી કરી શકાય તથા જાનહાની ટાળી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે મડાણા એસ.આર.
પી. ગ્રુપ-૩ ના જવાનો દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં બે સહેલાણી કપલ દાંતીવાડા ડેમની મુલાકાતે આવે છે અને ડેમમાં બોટીંગ દરમ્યાન બીજી બોટ સાથે અથડાવાથી બોટ ઉંધી વળી જાય છે અને બન્ને કપલ ડેમમાં પડી જાય છે. આવા સમાચાર કંટ્રોલ રૂમને મળતા તાત્કાલિક એસ.ડી.આર.એફ. ના જવાનો બોટ અને તરવૈયાઓ સાથે
પહોંચી જઇ તેમને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. રેસ્ક્યુ કરાયેલ કપલને મેડીકલ ટીમે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલેએ એસ.ડી.આર.એફ. ના જવાનોની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં આ જવાનોએ સુરક્ષાના તમામ સાધનો સાથે સજ્જ થઇ ખુબ સરસ મોકડ્રીલ યોજી છે. તેમણે કહ્યુ કે વર્ષ-૨૦૧૫ અને ૨૦૧૭ માં બનાસકાંઠા જિલ્લામાં આવેલ
પૂરના સમયે ટાંચા સાધનો વચ્ચે પણ આ જવાનોએ ખુબ સારી રાહત અને બચાવની કામગીરી કરી હતી. ત્યારે આજે એસ.ડી.આર.એફ. ની કંપની સાધનો અને એન.ડી.આર.એફ. જેવી તાલીમથી સજ્જ છે. તેમણે કહ્યુ કે કોઇપણ આપત્તિને પહોંચી વળવા એસ.ડી.આર.એફ. ની ટીમ મક્કમ ઇરાદાઓ સાથે સજ્જ છે. કલેકટરે દાંતીવાડા ડેમના દરવાજા લાઇટથી, જનરેટરથી, મશીનથી અને માણસો દ્વારા મેન્યુઅલ ખોલાવી બંધ કરાવી ડેમનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી આર.વી.વાળા, મડાણા એસ.આર.પી. ગ્રુપ-૩ ના સેનાપતિ અમિત વસાવા, અશ્વિની સાગલે, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, ધાનેરા પ્રાંત અધિકારી યોગેશ ઠક્કર, એસ.આર.પી. ના નાયબ  પોલીસ અધિક્ષક રમેશ ડાખરા અને બી.એમ.ચૌધરી સહિત મડાણા એસ.આર.પી. ગ્રુપ-૩ ના જવાનો, સ્થાનિક તરવૈયા અને જિલ્લા
વહીવટીતંત્રના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News