ભાટસણના શિવપુરાના રહીશો રસ્તાના અભાવે વેઠી રહ્યાં છે પારાવાર મુશ્કેલી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-08 13:25:11
  • Views : 274
  • Modified Date : 2021-08-08 13:25:11

     વિકાસના બણગા ફુકતી ગુજરાત સરકાર હજુ સુધી અનેક ગામોમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં પણ સદંતર નિષ્ફળ નિવડી રહી છે ત્યારે પાટણના સરસ્વતિ તાલુકાના ભાટસણથી શિવપુરા સુધીના માત્ર ૧.૫ કિ.મી. સુધીના પાકા રસ્તા માટે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણીના હલતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. સરસ્વતી તાલુકાના ભાટસણ ગ્રામ પંચાયત હસ્તકનો શિવપુરા વિસ્તારમાં ૩૦૦ થી વધુ પરીવાર વસવાટ કરે છે. ભાટસણ ગામ વિકસિત છે. જેથી શાળા, દૂધ ડેરી, હોસ્પિટલ સહિતની સુવિધાઓ ગામમાં આવેલી છે. જેથી શિવપુરા વિસ્તારના રહીશોને સવાર સાંજ ગામમાં આવવું પડે છે. આ ઉપરાંત નાના બાળકોને પણ અભ્યાસ માટે ગામની પ્રાથમિક શાળામાં જવું પડે છે પરંતુ ભાટસણ ગામથી શિવપુરા સુધી નો રસ્તો કાચો (નેળીયુ) અને ઊંડો છે. જેથી ચોમાસાની સિઝનમાં ઘૂંટણ સુધી પાણી ભરાઇ જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા પર પાણી ભરાઇ જતાં મોટર સાયકલ કે રીક્ષા જેવા વાહનો પસાર થઇ શકતા નથી. આ ઉપરાંત રસ્તાના અભાવે નાના બાળકો શાળાએ ન જઇ શકતા શિક્ષણ ઉપર પણ અસર પડી રહી છે. આ અંગે શિવપુરાના રહીશ રેવાભાઇ તેજાભાઇ રબારી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, તત્કાલીન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પાટણ કલેકટર અને જિલ્લા પંચાયતમાં પણ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઇ ઉકેલ ન આવતાં સ્થાનિક રહીશોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી સહિતને રજૂઆત કરી છે. શિવપુરા સુધીનો રસ્તો બનાવવા માટે છેલ્લાં ૧૦ વર્ષથી રજૂઆત કરવામાં આવે છે. આ ઉપરાંત વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતને રજૂઆત કરવામાં આવી હોવા છતાં વિકાસશીલ ગુજરાતની વાતો કરતી સરકાર અમને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં પણ નિષ્ફળ નિવડી છે તેમ સ્થાનિક રહીશ રેવાભાઇ રબારીએ જણાવ્યું હતું. ઇમરજન્સી માં ૧૦૮ વાન પણ આવી શકતી નથી. દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઇ જતાં ચાર મહિના સુધી રાહદારીઓ અને નાના વાહન ચાલકો નિકળી શકતાં નથી. ઇમરજન્સી સમયે ૧૦૮ વાન જેવું વાહન પણ કાદવ ના કારણે ફસાઈ જતાં હાલાકી ભોગવવી પડે છે.

Download Our B K News Today App



Related News