વડોદરામાં ઓક્સિજનની સ્થિતિને લઇને બેઠક મળી, મંત્રી યોગેશ પટેલે કહ્યુંઃ 'ઓક્સિજનના અભાવે કોઇ દર્દીનું મૃત્યુ નહીં થવા દઇએ, કાલે CMને રજૂઆત કરીશું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 14:43:44
  • Views : 228
  • Modified Date : 2021-04-24 14:43:44

    વડોદરામાં ઓક્સિજનની સ્થિતિને લઇને રાજ્યકક્ષના મંત્રી, ઓએસડી ડો. વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, સાંસદ અને ધારાસભ્યોની આજે બેઠક મળી હતી. જેમાં ઓક્સિજનના મેનેજમેન્ટ બાબતે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચાને અંતે આવલા પ્રશ્નો બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

    બેઠક બાદ રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરની હોસ્પિટલોમાં ઓક્સિજન વેડફાટ થાય નહીં તે માટે હોસ્પિટલો સાથે મિટીંગ કરીને જણાવવામાં આવશે અને કોઇપણ દર્દી ઓક્સિજન વિના મરે નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. અમે ધારાસભ્યો આવતીકાલે મુખ્યમંત્રીને મળવા માટે જવાના છીએ અને આ અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને પુરતી માત્રામાં ઓક્સિજનની માગ કરીશું. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર લેવા વડોદરામાં આવે છે. જેથી ઓક્સિજનની વધુ જરૂરીયાત છે. આખા ગુજરાતમાં સારામાં સારી વ્યવસ્થા વડોદરામાં ઉભી કરી છે. વધારે 2 હજાર બેડની સુવિધા ઉભી કરી શક્યા છીએ. પ્લાઝમા ડોનેટ અંગે પોલીસ કામગીરી કરી રહી છે.

    ઓએસડી ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, આગામી સમયમાં વડોદરાને ઓક્સિજનની જરૂર પડશે. ત્યારે વડોદરા માટેનો જથ્થો અન્યત્ર ડાયવર્ટ ન થવો જોઇએ. હાલ વડોદરામાં દૈનિક 170 ટન દૈનિક ઓક્સિજનની જરૂર છે. જોકે 170 ટન ઓક્સિજનની જરૂરીયાત સામે 5 ટનની ઘટ આવતા મંત્રીનું ધ્યાન દોર્યું છે.વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સયાજી ગોત્રી હોસ્પિટલો અને વિસ્તરણ હોસ્પિટલોના 20 વરિષ્ઠ તબીબોને ગાઈડલાઇનના અમલ માટે નોડલ અધિકારી નિમણૂંક કરી છે. કોવિડની સારવારની વાત કરવામાં આવે તો ઓક્સિજન પણ એક કિંમતી ઔષધ જેવી અને જેટલી જ અગત્યતા ધરાવે છે અને સારવાર દરમિયાન તેના બગાડ કે લિકેજની સંભાવનાઓ અટકાવીને કરકસર ભર્યો વપરાશ જરૂરી છે.

    જેના અનુસંધાને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે, 6 તજજ્ઞ અને અનુભવી તબીબોની મદદથી ઓક્સિજન મેનેજમેન્ટ ગાઈડલાઈન ઘડવા અને અમલમાં મૂકવાની પ્રેરક પહેલ કરી છે. આ ગાઈડલાઈનમાં દર્દીઓને પૂરતો ઓક્સિજન મળી રહે અને તેના બગાડ અને લિકેજની તમામ સંભાવનાઓને લઘુત્તમ રાખવા માટે લેવા યોગ્ય તકેદારીઓનો કાળજીપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.તેના અનુસંધાને સયાજી અને ગોત્રી હોસ્પિટલો તેમજ અટલાદરા અને સમરસ હોસ્ટેલની વિસ્તરણ સારવાર સુવિધાઓ ખાતે જેમના નેતૃત્વ હેઠળ દર્દીઓની સારવાર થઈ રહી છે, તેવા 20 જેટલા વરિષ્ઠ તબીબોને ઓક્સિજન મેનેજમેન્ટ નોડલ અધિકારીઓ તરીકે નીમવામાં આવ્યાં છે.

    તેમના નિમણુંક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્સિજન મેનેજમેન્ટ એ કોરોનાની સારવારનું અનિવાર્ય પાસુ છે. અવિરત પુરવઠાની જાળવણી માટેનું એક કદમ લિકેજ અને વેસ્ટેજ લઘુત્તમ રાખી ઓક્સિજનનું મેનેજમેન્ટ છે. નોડલ અધિકારીઓને ગાઈડલાઇન અનુસરીને ઓક્સિજનનો કરકસરયુક્ત ઉપયોગ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે.




Download Our B K News Today App



Related News